જાહેરમાં ખુરશીઓ લઈને સામસામે ચોંટી ગયા, ખાખીએ લાકડી વીંઝી છુટા પાડયામોરબી : મોરબીમાં જાહેરમાં મારામારી સીનસપાટાની છાસવારે બનતી ઘટનાઓ વચ્ચે ગતરાત્રીના બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને કુક, કારીગર અંદરો અંદર બાખડી પડતા મારમારીની આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જો કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી બાયપાસ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉભાજી પાસે બહાર પાથરવામાં આવતા ખુરશી ટેબલના ખડકલા વચ્ચે ગતરાત્રીના લાલ કલરના ટીશર્ટ પહેરેલ વેઈટર અને સફેદ શર્ટમાં રહેલા કુક કે કારીગરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા થોડીવારમાં જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.વધુમાં નાના ઝઘડામાં થોડી વારમાં જ બન્ને પક્ષે ખુરશીઓ સામસામી ઉગામી છુટા હાથની મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા અને બન્ને પક્ષે ચાલતી મારામારીમાં અચાનક જ ખાખી રંગના કપડામાં કોઈ વ્યક્તિ લાકડી લઈને આવી ચોંટી જતા ઝઘડો શાંત થયો હતો. જો કે, મારામારીની આ ઘટના અંગે સતાવાર ફરિયાદ ન નોંધાઇ હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું હતું.