માળિયાના ખાખરેચી નજીક આવેલી એમ.બી.સીરામીક એલએલપી કારખાનાના ભાગીદારોનો ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી નજીક આવેલી એમબી એલએલપી સીરામીક ફેક્ટરી ખોટમાં જતા અન્ય ભાગીદારોએ ભાગીદારી છૂટી કરવાનું કહી રિટાયરમેન્ટ ડીડમાં સહી કરાવ્યા બાદ નક્કી કરેલી 1.15 કરોડની રકમમાંથી 65 લાખ રૂપિયા પરત ન આપતા મામલો માળીયા પોલીસ મથકે પહોંચ્યો છે અને ફેકટરીના ત્રણ ભાગીદારો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.મોરબીના રવાપર રોડ ઉપર અવધ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ ઉર્ફે ચિરાગભાઇ જગદિશભાઇ પટેલ નામના વેપારીએ માળીયા પોલીસ મથકમાં તેમના ભાગીદાર એવા મુકેશ બચુભાઇ લીખીયા, રહે. 102, સંગમ એપાર્ટમેન્ટ, ક્રિષ્નાનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી, ગૌરાંગભાઇ મગનભાઇ દેત્રોજા રહે. મોરબી ચિત્રકૂટ સોસાયટી-5, શનાળા રોડ અને રાકેશ ચુનીલાલ પટેલ રહે-મોરબી, સરદાર સોસાયટી પરીન પેલેસ, શનાળા રોડ મોરબી વાળા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી મનીષ ઉર્ફે ચિરાગભાઇ જગદિશભાઇ પટેલ અને આરોપીઓએ સાથે મળી એમ.બી.એલએલપી નામની સીરામીક ફેક્ટરી ખાખરેચી ગામની સીમમાં બનાવી હતી જેમાં ફરિયાદી મનીષભાઈ 7 ટકાના ભાગીદાર હોવાની સાથે સક્રિય રીતે ફેકટરીનું કામકાજ સાંભળતા હતા બાદમાં ફેક્ટરી કોરોના કાળ બાદ ખોટમાં આવતા તમામ ભાગીદારોએ ભાગીદારી છૂટી કરી ફેક્ટરી વેચી નાખવા નક્કી કર્યું હતું જેમાં મનીષભાઈએ રોકેલા 1.95 કરોડ પૈકી 1.15 કરોડ ભાગીદારી છૂટી કરવા માટે આપવા નક્કી કરી રિટાયરમેન્ટ ડીડ ઉપર સહી કરી 50 લાખ રોકડા આપવામાં આવ્યા હતા જયારે બાકીના 65 લાખ આરોપી ત્રણ ભાગીદારોએ પરત નહીં આપતા અંતે ભાગીદાર એવા મુકેશ બચુભાઇ લીખીયા, ગૌરાંગભાઇ મગનભાઇ દેત્રોજા અને રાકેશ ચુનીલાલ પટેલ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406,420 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.