ખરીદી કેન્દ્ર અને વેરહાઉસ વચ્ચે તાલમેલના અભાવે પીસાતો જગતનો તાત : સૂચના પ્રમાણે બે-બે વખત સાફ કરાયેલી મગફળીમાંથી પણ વાંધો કાઢ્યો હળવદ: હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જ્યાં તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે. ત્યારે તાલુકાના સુંદરગઢ ગામના ખેડૂત અહીં મગફળી વેચવા માટે આવ્યા હતા અને તેઓનું સેમ્પલ પણ પાસ થઈ ગયું હતું. પરંતુ આ મગફળી વેરહાઉસમાં પહોંચતા રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે ખરીદી કેન્દ્ર અને વેરહાઉસ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી જગતનો તાત સરકારી અણધડ વહીવટથી પીસાઈ રહ્યો છે. હળવદ તાલુકાના સુંદરગઢ ગામના ખેડૂત જીગ્નેશભાઈ સુંદરજી ભાઈ દલવાડીએ ટેકાના ભાવે મગફળી વેચવા હળવદ માર્કેટ યાર્ડ ખાતે ચાલુ કરેલ ખરીદી કેન્દ્ર પર આવ્યા હતા. પરંતુ મગફળીમાં ઢેફા અને ડાખળા હોવાનું કેન્દ્ર પરથી જણાવતા ખેડૂત દ્વારા બે-બે વખત મગફળી સાફ કરવામાં આવી હતી. ત્યાર બાદ લેવામાં આવેલ સેમ્પલ પાસ થયું હતું અને ખેડૂત દ્વારા મગફળીનું વેચાણ કર્યું હતું. ખેડૂતને બિલનો મેસેજ પણ આવી ગયો હતો. જો કે આ મગફળીની ગુણીઓ વેરહાઉસ ખાતે પહોંચતા ત્યાંના ગોડાઉન મેનેજર દ્વારા આ મગફળી રિજેક્ટ કરી નાખી હતી અને જણાવ્યું હતું કે મગફળી બરોબર નથી જેથી મગફળી નાપાસ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ખેડૂતે રોષપૂર્વક જણાવ્યું હતું કે અહીં મગફળી લાવ્યા બાદ બે-બે વખત સાફ કર્યા બાદ પણ ખરીદી કેન્દ્ર અને વેરહાઉસ વચ્ચે તાલમેલ ન હોવાને કારણે તેનો ભોગ અમારે બનવું પડે છે. આ બાબતે ગોડાઉન મેનેજરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મગફળીની ૪૨૦ બોરી માંથી ૭૨ બોરી રિજેક્ટ કરાઈ છે. ગોડાઉન મેનેજર વિક્રમસિંહે વધુમાં જણાવ્યું હતું કે ફોરીંગ મેટલને કારણે નાફેડના સર્વે અનુસાર ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. આ બાબત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.