એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ : ભાઈચારાની ભાવનાથી અને કાયદાના પાલન સાથે પર્વ ઉજવવા અપીલમોરબી : મોરબીમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારો આવી રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં બન્ને પર્વોની ઉજવણી થાય તેવા હેતુથી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા, એ ડિવિઝન પીઆઇ એચ.એ જાડેજા, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના અધિકારીઓ અને ગણેશ મહોત્સવ તેમજ ઇદે મિલાદની ઉજવણીનું આયોજન કરતા આયોજકો તેમજ હિન્દૂ- મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પોલીસે તમામ લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદાની અમલવારી સાથે પર્વ ઉજવવાની અપીલ કરી હતી. આ સાથે ભાઈચારાની ભાવનાથી તમામ લોકો હર્ષભેર પોત-પોતાનો પર્વ ઉજવે તે માટે જણાવ્યું હતું.