હળવદ પંથકમાં કોન્ટ્રાકટરના વહીવટનો ઓડિયો વાયરલ : કાર્યપાલક ઇજનેરે તપાસના આદેશ આપ્યાહળવદ : ખેડૂતો દિવસ રાત મહેનત કર્યા બાદ જ્યારે પીજીવીસીએલ કચેરીએ નવા કનેક્શનની માંગણી કરે અને ત્યારબાદ કેટલાય ધક્કા ખાધા બાદ એગ્રીમેન્ટ ભરવામાં આવતું હોય છે.પરંતુ એગ્રીમેન્ટ ભર્યા બાદ પણ ખેડૂતની વાડીએ છ-છ મહિના સુધી કનેક્શન પહોંચતું નથી.બીજી તરફ પીજીવીસીએલના કમાઉ દીકરા એવા કોન્ટ્રાક્ટરો ખેડૂતો પાસેથી રોકડી કરી તાત્કાલિક કનેક્શન આપી દેતા હોવાનો હળવદના એક પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનો ઓડિયો સામે આવ્યો છે.હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાડીએ કનેક્શન ઊભું કરવા માટે ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ એગ્રીમેન્ટ ભરી દીધા બાદ નિયમ મુજબ 120 દિવસની અંદર કનેક્શન ચાલુ કરી દેવાનું હોય છે પરંતુ. અધિકારીઓના માનનીતા કોન્ટ્રાક્ટરના કારણે ટાઈમસર ખેડૂતોને કનેક્શન અપાતું નથી. બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખેડૂતોને વહેલા કનેક્શન જોઈતું હોય તેવો પાસે 20 હજારથી માંડી 30 હજાર રૂપિયા સુધીની માંગણી કરવામાં આવતી હોવાનો દેવ ફર્ટીલાઇઝર નામની પેઢીના કોન્ટ્રાક્ટરનો એક ઓડિયો સામે આવ્યો છે. જેથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે ખેડૂતો કોન્ટ્રાક્ટરને લાંચ આપે એ ખેડૂતની વાડીએ એગ્રીમેન્ટ ભર્યાના દસ દિવસની અંદર કનેક્શન ઊભું થઈ જાય છે. જ્યારે જે ખેડૂતો કોન્ટ્રાક્ટરને લાચ નથી આપતા એવા ખેડૂતોની વાડીએ છ-છ મહિના સુધી કનેક્શન પહોંચતું નથી.આ ઘટના અંગે કાર્યપાલક ઈજનેર જે.એન. ઠાકરે જણાવ્યું કે ઓડિયો ધ્યાને આવ્યો છે. જે જય ફર્ટિલાઈઝર સાથે સંકળાયેલા વ્યક્તિનો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કસૂરવાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે ખેડૂતોને અપીલ છે કે કોઈ કોન્ટ્રાક્ટર પૈસાની માંગણી કરે તો તુરંત પીજીવીસીએલનો સંપર્ક કરવો. પૈસાનો વ્યવહાર કરવો નહી.