હાલની સીજીડીસીઆરની કેટેગરી મુજબ ફક્ત મૂળ ગામ તળની 300 મી.ની પેરીફેરીમાં રહેણાંક/કોમર્શિયલના હેતુ માટે તથા તે સિવાયના વિસ્તારમાં ખેતી ઝોન મુજબ સીજીડીસીઆરના ટેબલ નં. 6.20 મુજબ ઓફલાઈન પરવાનગી મળી શકશેમોરબી : મોરબી મહાનગરપાલિકાની હયાત વિકાસ યોજનાની બહારના વિસ્તારમાં વિકાસ પરવાનગી મેળવવા બાબતે માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર રિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જે વિસ્તારોમાં હજુ વિકાસ યોજના (DP) પ્રસિદ્ધ થયેલ નથી ત્યાં નાગરિકોને બાંધકામ પરવાનગીમાં પડતી મુશ્કેલીઓ નિવારવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- 1976ની કલમ 122 હેઠળ સરકાર દ્વારા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે.જે વિસ્તારમાં હયાત અમલી વિકાસ યોજના અમલમાં ન હોય તેવા વિસ્તારમાં વિકાસ યોજના અધિનિયમ કલમ-13 હેઠળ પ્રસિદ્ધ ના થાય ત્યાં સુધી જે તે સત્તા મંડળની હાલની સીજીડીસીઆરની કેટેગરી મુજબના વિનિમયો લાગુ કરી ફક્ત મૂળ ગામ તળની 300 મી.ની પેરીફેરીમાં રહેણાંક/કોમર્શિયલના હેતુ માટે તથા તે સિવાયના વિસ્તારમાં ખેતી ઝોન મુજબ સીજીડીસીઆરના ટેબલ નં. 6.20 મુજબ જે તે સત્તામંડળ ઓફલાઈન પરવાનગી આપી શકાશે.જે માટે રહેણાંક-1 માટે ગ્રાઉન્ડ કવરેજ એરિયા 5 ટકા નક્કી કરાયો છે અને 8 મીટર ઉંચાઈ બાંધકામની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે એગ્રીકલ્ચર 1 અને 2, સ્પોર્ટ્સ, પાર્ક, એસેમ્બલી-4 માટે 5 ટકા કવરેજ એરિયા અને 15 મીટરની ઉંચાઈનું બાંધકામ કરી શકાશે. આ ઉપરાંત ધાર્મિક, શૈક્ષણિક 1 અને 2, એગ્રિકલ્ચરલ-3, ઈન્ડસ્ટ્રીયલ-3, ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ, પબ્લિક યુટિલીટી, પબ્લિક ઈન્સ્ટિટ્યૂશનલ વગેરે હેતુ માટે 15 ટકા ગ્રાઉન્ડ કવરેજ રાખવું પડશે અને 15 મીટર ઉંચાઈનું બાંધકામ કરી શકાશે.સત્તામંડળમાં ભળતા નવા વિસ્તારોમાં વિકાસ પરવાનગી આપતી વેળાએ જે તે સત્તામંડળ દ્વારા પોતાની આગવી સૂઝબૂઝથી આ વિસ્તારોમાં વિકાસની શક્યતાઓ ધ્યાને લઈ સૂચવવાના થતા રસ્તાઓના આયોજન તથા ઝોનિંગ અંગે વિચારણા કર્યા બાદ આવી પરવાનગીઓ આપવાની રહેશે. જેથી જ્યારે પણ અધિનિયમની કલમ- 13 હેઠળ વિકાસ યોજના પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે આયોજનમાં એકસૂત્રતા જળવાઈ રહે. આવી પરવાનગી આપતી વેળાએ જરૂરી ફી/ચાર્જ/પેનલ્ટી વગેરે મંજૂર અને અમલી સીજીડીસીઆરમાં દર્શાવેલ સત્તામંડળની હાલની કેટેગરી મુજબ વસુલ લેવાની રહેશે. આ નિયમો મુજબના કિસ્સાઓમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ પરવાનગી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.