મોરબીની જેટકો ઈન્ડસ્ટ્રીઝ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબીઃ આજ રોજ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીમાં આવેલી જેટકો ઈન્ડસ્ટ્રીઝ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. કંપનીના માલિક અને તમામ સ્ટાફે સાથે મળીને પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભક્તિના રંગે ઉજવણી કરી હતી. મોરબી: અદેપર પ્રાથમિક શાળામાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબી: આજ રોજ તાલુકાની અદેપર પ્રાથમિક શાળામાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીકરી કી સલામ દેશ કે નામ અંતર્ગત જોગડીયા નાઈશાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતોધોરણ 1 થી 8ના તમામ બાળકોએ આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો. આ ઉજવણી પ્રસંગે ગામના સરપંચ જનકસિંહ ઝાલા, ગામના આગેવાનો, એસએમસીના સભ્યો, વડિલો, માતાઓ-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ભરતભાઈ મેરજા દ્વારા કરાયું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ સે ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીઃ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની લોકો વિવિધ રીતે ઉજવણી કરતાં હોય છે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વની રાષ્ટ્રધર્મ નિભાવવાના હેતુ સાથે દિલ સે ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. મોરબીમાં કાર્યરત એવા દિલ સે ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક પર્વને સાર્થક બનાવવા જરૂરિયાતમંદ લોકોની લોહીની જરૂરિયાત પૂર્ણ કરી શકાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરીને પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો માળીયા (મી.): દેવ સોલ્ટ કંપની દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, શાળામાં ચોકલેટ-બિસ્કીટનું વિતરણ માળીયા (મી.): મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલી દેવ સોલ્ટ પ્રા.લી. કંપની ખાતે છેલ્લા પાંચ વર્ષથી પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કંપનીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને માળીયા મી. તાલુકાના ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ગામની શાળાઓમાં આશરે 2 હજાર વિદ્યાર્થીઓને દેવ સોલ્ટ કંપની દ્વારા ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરાયું હતું. આ સેવાકાર્ય બદલ શાળા પરિવાર દ્વારા કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિતરણ પ્રસંગે કંપનીના સિનિયર અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડા ઉપસ્થિત રહ્યા હતા. મોરબીની નેશનલ એકેડમી શાળા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ મોરબીઃ આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીની નેશનલ એકેડમી શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓની રેલી નેશનલ એકેડમી શાળાથી ગાંધી ચોક, રવાપર રોડ સુધી યોજાઈ હતી. દરેક વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. આ તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને સૌ કોઈ જોડાયા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા. [gallery ids='219495,219496'] મોરબીઃ માણેકવાડા શાળામાં પ્રજાસત્તાક પર્વે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો મોરબીઃ 74મા પ્રજાસતાક પર્વ નિમિત્તે મોરબી તાલુકાની માણેકવાડા પ્રાથમિક શાળામાં આજ રોજ ચતુર્વિધ કાર્યક્રમો યોજાયો હતો. સૌ પ્રથમ વિદ્યાર્થિની જાગૃતિ ચનિયારાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગયા વર્ષે ધોરણ 1 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષભર વધુ હાજરી ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને શાળાના તમામ બાળકોને બિસ્કીટના પેકેટ અને ભેટ વિતરણ ઇનામના કાયમી દાતા રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપ સરપંચ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ બ્રીજરાજસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનું જાગરણ કરાવતા વિવિધ નાટકો, અભિનય ગીતો, નૃત્યો, પ્રસંગો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, હાજર સૌ ગ્રામજનોએ પૂર્ણ સમય હાજર રહી રૂપિયા 6 હજાર જેટલી આર્થિક રાશિ બાળકોને શુભેચ્છા ભેટ તરીકે આપી સૌ બાળકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે સરપંચ, વિવિધ જ્ઞાતિ આગેવાનો દ્વારા આરતી સાથે ભારતમાતા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિ અને સમરસતાના વાતાવરણમાં પ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સહયોગી દાતા પરિવાર, શાળા સ્ટાફ પરિવાર તેમજ ગામના યુવાનોની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીઃ આમરણ નવાપરા શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી મોરબીઃ 74મા ગણતંત્ર દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે આમરણ નવાપરા પ્રાથમિક શાળા અને સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આમરણ ખાતે આ રાષ્ટ્રીય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે શાળામાં સૌપ્રથમ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમાં ગામના સરપંચ, વડીલો, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષક અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. ટંકારાની હડમતીયા કન્યા શાળામાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારાઃ આજ રોજ તાલુકાની હડમતીયા કન્યા શાળામાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધું અભ્યાસ કરેલી દીકરી અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા માટે 'એક સલામ દીકરીને નામ' ની ધોષણા ડિમ્પલ રાજેશભાઈ કામરીયાના નામની થઈ હતી. જેઓએ BHMSનો અભ્યાસ કર્યો છે. ત્યારે આજરોજ તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં વિધાર્થીઓએ અવનવા કરતબો રજુ કરીને તેમજ પિરામિડો રજુ કરીને ગ્રામજનોને અચંબિત કરી દીધા હતા. આ પ્રસંગે સ્કૂલને લોકફાળાની સરવાણી વહાવી હતી. આ ઉદવણીમાં...