દર્દીઓની સુવિધા માટે બેડશીટ નિયમિત બદલાય છે, 8 થી 9 ઈંચ વરસાદના કારણે ઓપીડીમાં કાદવ થયો હતો: જર્જરિત બિલ્ડીંગ અને ડ્રેનેજ પ્રશ્ને PIU ને અગાઉ રજૂઆત કરાઈ હોવાનો હોસ્પિટલ તંત્રનો બચાવમાળિયા (મિયાણા) : માળિયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં દર્દીઓને પડતી હાલાકી, ગંદકી અને જર્જરિત બિલ્ડીંગ મામલે માળિયા નગરપાલિકાના સદસ્ય ઈકબાલ સુભાન સંઘવાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે હોસ્પિટલના અધિક્ષક દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), મોરબીને 11 ઓગસ્ટ 2026 ના રોજ એક ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે.અધિક્ષકે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે બેડ પર રખાયેલી બેડશીટ નિયમિત બદલવામાં આવે છે. પરંતુ ગયા અઠવાડિયે ભારે વરસાદની આગાહી વચ્ચે અંદાજિત 8 થી 9 ઈંચ જેટલા વરસાદના કારણે બહારનો કચરો અને કાદવ ઓપીડી (OPD) બિલ્ડીંગમાં આવી ગયો હતો. વધુ પડતા કાદવવાળા કચરાના કારણે ગંદકીની સ્થિતિ સર્જાઈ હતી, છતાં બેડશીટ સ્વચ્છ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. તેમ છતાં, હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને પૂરતી કાળજી રાખવા અને સફાઈ ચાર્ટ રોજેરોજ અપડેટ કરવા કડક સૂચના આપવામાં આવી છે.શૌચાલયની સફાઈ અંગે ખુલાસો કરતા જણાવાયું છે કે આઉટસોર્સ વર્ગ 4 ના કર્મચારીઓ પાસે ટોયલેટ બ્લોકની સાફ-સફાઈ કરાવાય છે, પરંતુ હોસ્પિટલનું બિલ્ડીંગ ખૂબ જ જૂનું અને જર્જરિત હોવાથી તેની ટાઈલ્સ બદલવા અને રિપેરિંગ કરવા માટે અગાઉથી જ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU), મોરબીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. માળિયા સીએચસી એ અતિ દુર્ગમ રીમોટ એરિયામાં આવેલ હોવાથી દર્દીઓના હિતમાં જાહેર આરોગ્ય સેવાઓ માટે અસરકારક કાર્યવાહી હાથ ધરવા માંગ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના તમામ ટોયલેટ બ્લોકની ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાથી અને ખાળકૂવાની ચેમ્બરો ઉભરાવવાના પ્રશ્ને અધિક્ષક દ્વારા ગત 17 સપ્ટેમ્બર 2025 ના રોજ પણ નાયબ કાર્યપાલક ઈજનેર, PIU (સિવિલ વિભાગ), મોરબીને પત્ર લખીને તાત્કાલિક રિપેરિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ પત્રમાં જણાવાયું હતું કે ડ્રેનેજ સિસ્ટમ કમ્પ્લીટ ન હોવાથી ચેમ્બરો ઉભરાય છે, જેનાથી સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકી પડે છે અને આરોગ્ય માટે જોખમરૂપ સ્થિતિ સર્જાય છે. આ બાબતે વડી કચેરીએ પણ યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી.#Maliya #MaliyaMiyana #Morbi #MorbiUpdate #MorbiNews #CHCMaliya #HealthCenterIssue #MorbiHealthDepartment #PIUMorbi