આવતીકાલથી ત્રણ ડોક્ટરો સેવા આપશે: મેડિકલ ઓફિસર માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ એટલે કે માળિયા (મિયાણા) રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડતી હોવાની રજૂઆત સામે આવી છે. જેમાં દર્દીઓએ જણાવ્યું છે કે, તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ હોય દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને લાંબો સમય સુધી લાઈનમાં બેસીને વારો આવે તેની રાહ જોવી પડી રહી છે. હાલ એક જ ડોક્ટર હોય ઓપીડીમાં દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.આ અંગે મોરબી અપડેટ દ્વારા માળિયા (મિયાણા) રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. સાવનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, દરરોજ 100 થી 200 જેટલી ઓપીડી હોય છે. જોકે દર્દીઓને બહુ વખત લાઈનમાં બેસવું નથી પડતું. હાલ દર્દીઓને વધુમાં વધુ 15 મિનિટ જેટલી જ રાહ જોવી પડે છે. પરંતુ તેમ છતાં આવતીકાલથી ત્રણ ડોક્ટરો રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવશે અને દર્દીઓને વધુ વખત બેસવું ન પડે તેવા પ્રયત્નો કરાશે.