સરદારધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત- અમિતભાઈ શાહરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સરદારધામ દ્વારા દીકરીઓ માટે કરવામાં આવેલી સુવિધાની સરાહના કરીઅમદાવાદ : તારીખ 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહનો અભિવાદન સમારોહ અને 100 કરોડની દીકરી દત્તક યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોરબીના પાટીદાર ભામાશા અને સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ગૃહમંત્રી અમિતભાઈ શાહે સમાજના પ્રયત્નની સરાહના કરતાં જણાવ્યું હતું કે, તેમના 40 વર્ષના જાહેર જીવનમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી, છાત્રાલયની મુલાકાત કરી છે, જેમાંથી સરદારધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ. જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. આ ઉપરાંત મંત્રીએ સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી થવા જઈ રહી છે, તેવા લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતાના વારસદાર હોવાના ગર્વ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ નથી. જેથી સરદારધામે 3 હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે રૂ. 100 કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠ દાતાઓ દ્વારા દીકરીઓનું ભવિષ્ય ઉજવળ બને છે, તે માટે દાતાઓને પણ તેમણે અભિનંદન પાઠવું છું.વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બની છે. જે અંતર્ગત તા. 31 માર્ચ 2026 સુધીમાં નક્ષલવાદનો સંપૂર્ણ અંત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ 2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની, સ્વદેશી અપનાવતા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ આવા નાના નાના વિકાસ કાર્યો થકી રાષ્ટ્રીય નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા દ્વારા મહાનુભાવોનું સરદારધામના 1041 ટ્રસ્ટીઓ વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા સરદાર ધામના ભવિષ્યના આયોજન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.