બસ મોડી પણ આવતી હોવાની રાવ : તહેવારો પૂરતી જ મીની બસ મૂકી હોવાની ડેપો મેનેજરની સ્પષ્ટતા મોરબી : મોરબી-ચમનપર વચ્ચે એસટી વિભાગ દ્વારા મોટી બસને બદલે થોડા દિવસથી મીની બસ દોડાવવામાં આવતા મુસાફરોને હાલાકી પડી રહી હોવાની રાવ ઉઠી છે. મુસાફરોના જણાવ્યા અનુસાર ચમનપરથી સવારે 8 વાગ્યે મોરબી જતી બસ દરરોજ મોડી હોય છે. આ બસ 8:30 વાગ્યે આવે છે અને 9:10ને બદલે 9:40 એ મોરબી પહોંચાડે છે. વધુમાં છેલ્લા 10 દિવસથી આ મીની બસ મુકવામાં આવી રહી છે. આ સમયે દરરોજ 60થી 65 મુસાફરો હોવાથી મીની બસમાં મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જેથી આ મામલે ડેપો મેનેજરને રજુઆત પણ કરવામાં આવી છે. ડેપો મેનેજર દ્વારા જણાવાયુ કે તહેવારોની સીઝનમાં જરૂર હોવાથી આ રૂટની મોટી બસ લઈને મીની બસ મુકવામાં આવી હતી. આ મીની બસ માત્ર તહેવારોના સમયમાં જ દોડાવવામાં આવી છે. હવે મોટી બસ શરૂ કરી દેવાય છે. વધુમાં બસના સમય અંગે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે અપ ડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓને મારો સંપર્ક નંબર પણ આપી દેવાયો છે. તેઓ જરૂર પડ્યે ગમે ત્યારે કોઈ સમસ્યા સર્જાય તો સીધી મને જાણ કરી શકે છે.