જનમેદની એકત્રિત કરવા મોરબીની 17 અને વાંકાનેરની 30 બસ મોકલાતા રાજકોટ-મોરબી રૂટની અનેક ઇન્ટરસીટી બંધ : મોરબીના નાઈટ રૂટ પણ રદ મોરબી : બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે નિર્મિત બનાસ ડેરી સંકુલનું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ યોજવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં જનમેદની માટે મોરબી અને વાંકાનેર ડેપોની 47 બસ ફાળવી સ્થાનિક ઇન્ટરસીટી અને રાત્રી રૂટ કેન્સલ કરી દેવામાં આવતા સેંકડો મુસાફરોની હાલત કફોડી બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે નિર્મિત બનાસ ડેરી સંકુલનું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ હોય વિશાળ જનમેદની માટે રાજ્યભરમાંથી એસટી બસને દાહોદ, ગોધરા સહિતના જિલ્લામાં મોકલવામાં આવી છે જે અંતર્ગત મોરબી ડેપોની 17 અને વાંકાનેર ડેપોની 30 બસ વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવતા મુસાફરોને રઝળપાટ કરવાનો અને બસમાં ભારે ગિરદી વચ્ચે ઊભાઊભા મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોરબી વચ્ચે સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકને પહોંચી વળવા વાંકાનેર ડેપોથી ખાસ ઇન્ટરસીટી બસ દોડાવવામાં આવે છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ માટે વાંકાનેરની એક સામટી 30 બસ ફાળવી દેવાતા અનેક ઇન્ટરસીટી બસના રાજકોટ - મોરબી વચ્ચેના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત એક્સપ્રેસ રૂટ તેમજ દાહોદ ગોધરાના રૂટને ત્યાં જ રોકી વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલી આપવામાં આવ્યા હતા અને બસની ઘટને પગલે મોરબી ડેપોને સ્લીપર કોચ બસ લોકલ રૂટ ઉપર દોડાવી પડી હતી.