વાંકાનેર : વાંકાનેર તાલુકાના શિવપુરથી માટેલ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.વાંકાનેર તાલુકાના શિવપુર ગામથી માટેલ જવા માટેનો ડામર રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ થઈ ગયો છે. કમરતોડ રસ્તાના કારણે પસાર થઈ રહેલા મુસાફરો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર દોઢ ફૂટ સુધીના ખાડા પડી ગયા હોવાનું લોકો કહી રહ્યા છે. હાલમાં આ રસ્તો જાણે ધુળિયો મારગ બની ગયો છે. આ રસ્તા પરથી માટેલ ખોડીયાર માતાજીના દર્શને અનેક શ્રદ્ધાળુઓ જતાં હોય છે સાથે જ સિરામિક ઉદ્યોગમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે અપડાઉન કરી રહ્યા છે. ત્યારે બિસમાર રસ્તાના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેથી આ રસ્તાનું ઝડપથી સમારકામ કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.