આવતીકાલે રાત્રે અતિ મહત્વનું સંવત્સરીનું મોટું પ્રતિક્રમણ અને ધાર્મિક વિધિઓ યોજાશેટંકારા : તીર્થધામ ટંકારા ખાતે શ્રી પાર્શ્વનાથ દાદાના દેરાસરમાં પર્યુષણ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક શરૂ થઈ છે. જૈનાચાર્યો અને ગુરુ ભગવંતોની નિશ્રામાં કલ્પસૂત્રનું પઠન, સ્વપ્ના અને પારણા સહિતની ધાર્મિક વિધિઓ સાથે ભક્તોમાં ભક્તિનો ઉમળકો જોવા મળ્યો છે. આ પ્રસંગે નાના ભૂલકાઓ સહિત અનેક ભક્તોએ અઠાઈ તપની આરાધના શરૂ કરી છે.આ વર્ષે અઠાઈ તપની આરાધના કરનારા તપસ્વીઓમાં યશ્વી અમિતભાઈ કારાવડિયા, દિયા કેતનભાઈ કારાવડિયા, મહેંક જિગ્નેશભાઈ શેઠ, જાનવી અમિતભાઈ કારાવડિયા અને માલતી અશોકભાઈ કારાવડિયાનો સમાવેશ થાય છે. તેમના સન્માનમાં આવતી કાલે તારીખ 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે સાંજીના ગીતનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે રાત્રે અતિ મહત્વનું સંવત્સરીનું મોટું પ્રતિક્રમણ અને ધાર્મિક વિધિઓ યોજાશે. આ પ્રસંગે જૈન સમાજના લોકો 'મિચ્છામિ દુક્કડમ્'ના સંદેશ સાથે ક્ષમાયાચનાનો ભાવપૂર્ણ માહોલ સર્જાશે. બીજા દિવસે, 28 ઓગસ્ટે, સવારે 9 વાગ્યે તપસ્વીઓના પારણા યોજાશે, જેમાં સકલ જૈન સમાજ સંધજમણમાં જોડાશે. બપોરે 3 વાગ્યે શહેરના રાજમાર્ગો પર વરઘોડો નીકળશે, જેમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ભક્તો જોડાઈને આનંદ અને ભક્તિનો માહોલ ઉભો કરશે. આ પર્વે તીર્થધામ ટંકારાનું પાર્શ્વનાથ દેરાસર ભક્તિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં જૈન અને જૈનેતર સમુદાય એકસાથે આ પવિત્ર ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. દૈનિક દાદાને અલગ અલગ આંગી અને દિપ પ્રાગટય થકી દેરાસર જગમગી ઉઠયું છે.