હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય હળવદ : હળવદમાં કોરોના મહામારીને વિકટ પરિસ્થિતિને લઇ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 12 એપ્રિલના રોજ સાત દિવસ માટે આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે, કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત્ હોય જેને લઇ હળવદની બજારો આગામી 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. તેવું આજે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની મળેલ ઓનલાઇન બેઠકમાં જણાવાયું છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત પણ થઈ રહ્યા છે ત્યારે હળવદમાં કોરોના અટકે તે માટે થઈ ગત 12 એપ્રિલના રોજ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 7 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હજુ પણ કોરોનાનું સંક્રમણ યથાવત રહેતા આ નિર્ણયને લંબાવવામાં આવ્યો છે અને આગામી 30 એપ્રિલ સુધી હળવદની તમામ દુકાનો બપોરના 2 વાગ્યા બાદ બંધ રહેશે. તેવું વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું છે માથક ગામે દસ દિવસનું આંશિક લોકડાઉન હળવદ તાલુકાના માથક ગામે ગ્રામ પંચાયત દ્રારા ગામમાં વધતા કોરોના કેસને લઇ અને છેલ્લા દસેક દિવસમાં એક ડઝનથી વધુ લોકોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ દમ તોડયો છે. તેથી, આવી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનો સાવચેત રહે અને કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે થઈ આગામી 25 એપ્રિલ સુધી ગામની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવુ ગામના જાગૃત યુવાન જીતુભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું. ચુપણી ગામે સાત દિવસ તમામ દુકાનો બે કલાક જ ખુલ્લી રાખવાનો આદેશ કોરોનાની બીજી લહેર ગ્રામ્ય વિસ્તારમાં કાળો કેર વર્તાવી રહી છે. જેથી, હળવદ તાલુકાના ઘણા બધા એવા ગામો છે કે, જ્યાં ગ્રામ પંચાયતો દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હળવદ તાલુકાના ચૂંપણી ગામે ગામની દુકાનો આગામી 23 એપ્રિલ સુધી સવારે 11 થી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો હોવાનું સરપંચ ભનુભાઇ જણાવ્યું છે.