મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં આવેલ એક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. મોરબીના જેતપર રોડ પર પાવડીયારી બસ સ્ટેન્ડની પાસે લેનફોર્ડ સીરામીકના લેબર રૂમમાં રહેતા તેમજ મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં ગંદવાણી તાલુકાના ખીડકિયા ગામના વતની મુન્નાભાઇ કુન્દરાજ મકવાણાની પત્ની સુકલીબેનએ ગત તા. 9ના રોજ રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુકલીબેનએ સીરામીકના કારખાનાની લેબર રૂમમાં દિવાલ પર લાગેલ લોખંડના ખીલ્લા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમના લગ્નને અઢી વર્ષનો સમયગાળો થયો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.