મોરબી : આવતીકાલે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવાશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય શ્રી સરસ્વતી માનું પૂજન પણ કરવામાં આવશે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે અને સંસારમાં માતા પિતાના મહત્વનો સંદેશ આપશે. તેમજ સવારથી સરસ્વતી પૂજનનું આયોજન પણ કરવામાં આવશે.આ ઉપરાંત તારીખ 16 ફેબ્રુઆરી 2024ના રોજ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી, આરોગ્ય સપ્તમીના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે. શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર દ્વારા આ દિવસની ઉજવણી કરશે. આરોગ્યની મહ્ત્વતા સાથે સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ યોગ કઈ રીતે છે તેનું મહત્વ સમજશે. ઉલ્લેખનીય છે કે આ દિવસ નર્મદા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે.