16માં વર્ષમાં પ્રવેશ કરતી પુત્રી અન્ન્યાનો જન્મદિવસ માતા-પિતા માટે બની રહેશે આજીવન સંભારણું: મોરબી : 'દીકરી વ્હાલનો દરિયો' ઉક્તિ વારંવાર સાંભળવા મળતી હોય છે. એક પિતાનું પુત્રી માટેનું વાત્સલ્ય અદ્વિતીય હોય છે. કઠણ કાળજાનો બાપ પણ દીકરીના લગ્નમાં વિદાય પ્રસંગે મોકળા મને ધ્રુસકે ધ્રુસકે રડી પડતો હોય છે. સાંપ્રત સમયમાં પણ આવા દ્રશ્યો વખતો વખત નજરે ચડે છે. જો કે, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા સમાજ અને ઘણા પરિવારોમાં પુત્ર અને પુત્રી વચ્ચે ઉછેરથી લઈને સગવડતાઓ આપવામાં લિંગભેદની દ્રષ્ટિએ પક્ષપાત થતો હોય છે. આવા મિશ્ર વાતાવરણ વચ્ચે મોરબીમાં એક પ્રેરણાદાયી કિસ્સો ઉજાગર થતા ઠેર ઠેરથી બે પુત્રીઓના વાલી પર પ્રસંશાના પુષ્પો વરસી રહ્યા છે. મોરબી સ્થિત શ્રી મહાત્મા ગાંધી વિદ્યા સંકુલના સંચાલક લાલજીભાઈ કુનપરાને સંતાનમાં બે પુત્રીઓ છે. મોટા પુત્રી શૈલનીબેન MBBSના ત્રીજા વર્ષમાં હાલ યુક્રેઇન ખાતે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે નાની પુત્રી અનન્યાબેન સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે ધોરણ 11 સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે. ગત 12 ડિસેમ્બરે અનન્યાનો 16મો જન્મદિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો. આ દિવસે માતા-પિતાએ પુત્રીના પગ પખાળ્યા. સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માનીને પુત્રીના પગ ધોઈ પૂજન કર્યું. ત્યારબાદ માતા-પિતાએ પુત્રીના પદ ચિહ્નોને કંકુવાળા પાણીની થાળીમાં મુકાવી સફેદ વસ્ત્ર પર પુત્રીના પગલાંની છાપ અંકિત કરી જાણે પુત્રીના પગલાંને જીવનના સંભારણાને કાયમ માટે હૃદયમાં અંકિત કર્યું હોય એવી વિભાવના વ્યક્ત કરી. 16 વર્ષની પુત્રી આવનારા વર્ષોમાં પુખ્ત બની સાસરે વિદાય લેશે ત્યારે પુત્રીના લક્ષ્મી પગલાં, કાયમ માટે પુત્રી પોતાની સંગાથે જ છે એવો ભાવ પ્રગટાવ્યા કરશે. આ કંકુ પગલાં એ માત્ર એક સ્થૂળ વિધિ જ નથી. પણ દરેક સમાજના દરેક પરિવાર માટે એક સંદેશ છે કે પુત્રી રત્ન પામવું એ એક સૌભાગ્યની વાત છે. પુત્ર-પુત્રી વચ્ચે વાલીના પ્રેમમાં કદાચ કોઈ ભેદભાવ ન કળી શકાતો હોય પણ ઉછેર અને છૂટ-પાબંધી જેવા વિષયોમાં લિંગભેદની વિચારસરણી જરૂર વ્યક્ત થઈ જતી હોય છે. ત્યારે સંતાનમાં બે પુત્રી જ હોવા છતાં પુત્રની કામના ન કરનાર અને બન્ને પુત્રીઓનો ઉછેર પુત્ર માનીને કરનાર તથા ઉચ્ચ શિક્ષણ આપનાર કુનપરા દંપતી અન્યો માટે એક વિશિષ્ટ કેડી કંડારી ચૂક્યું છે. અહીં એવી આશા રાખવી અસ્થાને નથી કે ભવિષ્યમાં આવા પરિવારોને કારણે જ પુરુષપ્રધાન સમાજમાં આમૂલ પરિવર્તન આવશે અને પુત્ર-પુત્રી એક સમાનનું સરકારી સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે.