વડાપ્રધાન મોદીની પાપુઆ ન્યૂ ગિની યાત્રાથી ચીનને પેટમાં દુખશે ! ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કૉ-ઑપરેશન’ સંમેલનમાં વડાપ્રધાન સહઅધ્યક્ષ મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ પશ્ચિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આવેલ પાપુઆ ન્યુ ગિની ટાપુના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે આ સ્વતંત્ર દેશના વડાપ્રધાન જેમ્સ મારાપે પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને પગે લાગતા સમગ્ર દેશ દુનિયામાં પાપુઆ ન્યુ ગિની દેશ ચર્ચામાં આવ્યો છે. આજે વડાપ્રધાન મોદી અહીં ભારતીય નિવાસીઓ સાથે બેઠક કરવાની સાથે ચીનને ફટકો પહોંચે તેવી ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કૉ-ઑપરેશન’ સંમેલનમાં સહ-અધ્યક્ષતા પણ કરી રહ્યા છે. પાપુઆ ન્યુ ગિની એ ઇન્ડોનેશિયા નજીક પેસિફિક મહાસાગરમાં આવેલ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, જે દક્ષિણ પશ્ચિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ટાપુઓનો સમૂહ છે. અહીંની રાજધાની પોર્ટ મોરેસ્બી છે. માત્ર દોઢ કરોડ જેટલી વસ્તી ધરાવતો આ દેશ વિવિધતાઓના દેશ તરીકે પણ ઓળખાય છે. આ વસ્તીમાં લગભગ 850 ભાષાઓ બોલાય છે અને અહીં ઘણા ધાર્મિક સમુદાયો રહે છે. અહીંની માત્ર 18 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી એશિયા પૅસિફિક ક્ષેત્રના દેશ પાપુઆ ન્યૂ ગિની જનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. વડા પ્રધાન મોદી ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કૉ-ઑપરેશન’ સંમેલનમાં સહ-અધ્યક્ષતા કરી રહ્યા છે.વર્ષ 2014માં ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કો-ઑપરેશનની શરૂઆત થઈ હતી. ઇન્ડિયા-પૅસિફિક આઇલૅન્ડ્સ કો-ઑપરેશનમાં ભારત અને 14 પૅસિફિક આઇલૅન્ડ દેશો- ફિજી, પાપુઆ ન્યૂ ગિની, ટોંગા, તુવાલુ, કિરિબાતી, સમોઆ, વાનુઆતુ, નીયૂ, માઇક્રોનેશિયા, માર્શલ દ્વીપ સમૂહ, કુક દ્વીપ સમૂહ, પલાઊ, નાઉરૂ અને સોલોમન દ્વીપ સામેલ છે. દોઢ કરોડની વસતિ ધરાવતા દેશ પાપુઆ ન્યૂ ગિનનો પ્રવાસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ત્યાં ચીનનો ઘણો પ્રભાવ છે. ચીને ‘બેલ્ડ ઍન્ડ રોડ ઇનિશિએટિવ’ અંતર્ગત રોકાણ કર્યું છે. ચીન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે ફ્રી ટ્રેડ ડિલ પણ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ભારતનો પ્રવાસ આ ક્ષેત્રના દેશો સાથે સંબંધ આગળ વધારવાની કોશિશ મનાઈ રહ્યો છે. દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આ 14 દેશ અને સાત ક્ષેત્રો છે. 2006થી ચીન સતત આ દેશોમાં રોકાણ કરી રહ્યું છે. વર્ષ 2006માં ચીને આ દેશો સાથે એક ફોરમ બનાવી અને એ સમયથી જ ચીનનો આ ક્ષેત્રમાં પ્રભાવ છે. ત્યાં ચીને પોતાનાં વેપાર અને રોકાણમાં જંગી વધારો કર્યો. તે બાદ ચીન તેનો વ્યૂહરચનાત્મક ઉપયોગ કરવા લાગ્યું છે.ગત વર્ષે અમેરિકાએ યુએસ-પૅસિફિક આઇલૅન્ડ્સ દેશોનું શિખર સંમેલન આયોજિત કર્યું હતું. તેમાં સામેલ થવા માટે આ દેશોના પ્રતિનિધિ વૉશિંગટન પહોંચ્યા હતા. ત્યાં અમેરિકાએ આ ક્ષેત્રના આર્થિક સહયોગ, દરિયાઈ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન સંકટનો સામનો કરવા માટે 80 કરોડ ડૉલર ખર્ચ કરવાની વાત કરી હતી. નોંધનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેતા પહેલાં પાપુઆ ન્યૂ ગિની જનાર હતા પરંતુ ઘરેલુ આર્થિક સંકટના કારણે હવે તેમનો પ્રવાસ રદ કરી દેવાયો છે. પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે ત્યારે પાપુઆ ન્યૂ ગિનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઉપર સમગ્ર દુનિયાની નજર મંડાઈ છે.