પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો મોરબી : તાલુકાના પાનેલી ગામે પોતાના ઘરમા જ ઝેરી દવા પી લેનાર યુવકનું સારવાર દરમ્યાન રાજકોટની ખાનગી હોસ્પિટલમા મોત નિપજતા તેની પાંચ બહેનો સહિત પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. બનાવની વધુ વિગતો પ્રમાણે મોરબી નજીક આવેલા પાનેલી ગામના ચેતન શામજીભાઈ રાઠોડે ઉં.વ. 21 ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં લાંબી સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું. પાંચ બહેનો વચ્ચે એક જ ભાઈના અવસાનથી બહેનોમાં કલ્પાંત મચી ગયો હતો. તાલુકા પો.મથકના હેડ.કોન્સ. હિતેષભાઈ મકવાણાની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે ચેતનનો મોબાઈલ થોડા દિવસો પહેલા ક્યાંક પડી ગયો હોય એના કારણે ટેન્શનમાં રહેતા યુવકે ઝેરી દવા પી લીધી હતી. ચેતનના પિતાનુ અગાઉ અવસાન થયુ હતુ અને ચેતન ઘરનો આધાર સ્તંભ હતો ત્યારે જ તેના અકુદરતી અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.