સાંસદ કેસરીદેવસિંહજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વન મહોત્સવમાં વૃક્ષારોપણ કરી રોપા વિતરણ કરાયુંમોરબી : આજ રોજ મોરબી જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ મોરબી શહેરના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે યોજાયો હતો. આ વન મહોત્સવમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહેમાનોએ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ આ પ્રસંગે લોકોને વૃક્ષના રોપા આપી ઉછેર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક લોકો વૃક્ષ વાવી તેનું જતન કરે તેમ જણાવાયું હતું. આ તકે રોપા ઉછેર સ્કીમ અંતર્ગત સૌથી વધુ રોપા વાવનાર ગીતાબેન ભંખોડીયાને 10.27 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદસભ્ય કેશરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આપણે બાળકોના ભવિષ્ય માટે બેંકમાં એફડી કરાવીએ છીએ તેમ વૃક્ષ વાવીને તેને ઉછેરીને બાળકોને ભેટમાં આપીશું તો એ એફડી બરાબર જ છે. વૃક્ષો એ આપણી મૂડી છે તેથી વૃક્ષો ઉછેરવાની આપણી જવાબદારી છે તેમ જણાવ્યું હતું અને સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ વૃક્ષો ઉછેરી રહી છે તેને બિરદાવી હતી.મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, લાકડાની જેમ જરૂરત છે તેમ વૃક્ષો વાવવાની પણ જરૂર છે. જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલું આપણું પર્યાવરણ સુધરશે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મકનસરની વીડીમાં પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. હજુ પણ મોરબી જિલ્લામાં વધુ ને વધુ વૃક્ષો વવાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી-જેતપર અને મોરબી-હળવદ હાઈવે બને છે ત્યાં પણ વૃક્ષો વાવવાની કામગીરી ચાલુ છે.ડીએસએફ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, મોરબી વન વિભાગમાં સાડા ત્રણ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. સાથે જ બે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ત્રણ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ત્રણ વન કવચમાં 40 હજાર જેટલા રોપા ઉછેરવામાં આવશે. દરિયા કિનારે પણ મેન્ગ્રુવના વૃક્ષો વાવવામાં આવ્યા છે.જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર કે.બી. ઝવેરી, વન સંરક્ષક ડો. ટી. કરૂપ્પાસામી, ડીસીએફ ચિરાગ અમીન, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કાજલબેન ચંડીભમર, જ્યોતિસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ અશોક દેસાઈ, મનસુખભાઈ બરાસરા, સુરેશ સિરોહિયા, દિલીપ અગેચણીયા સહિતના આવેવાનો ઉપસ્થિત રહ્યા હતા.