જાહેરાતના તમામ પાટિયા પાંચ દિવસમાં ઉતારી લેવા પંચાયતની તાકીદ મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગ્રામ પંચાયતની હદમાં જુદી-જુદી આઉટડોર પબ્લિસિટી એજન્સીઓ દ્વારા મન પડે ત્યાં હોર્ડિંગ્સ ખડકી દેવાયા હોવાથી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ આગામી પાંચ દિવસમાં હટાવી લેવા તમામ અસામીઓને જાહેર સૂચના આપી તાકીદ કરવાં આવી છે. બેલા (રંગપર) ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સબેન કાંતિલાલ ઉઘરેજા અને સદસ્ય મોતીભાઈ રબારી દ્વારા આજે જાહેર સૂચના આપી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં તેમજ બેલા પીપળી રોડ ઉપર આડેધડ લગાવવામાં આવેલા વિવિધ જાહેરાતોના હોર્ડિંગ્સ બોર્ડ પાંચ દિવસમાં ઉતારી લેવા માટે ગ્રામ પંચાયત દ્વારા સૂચના આપવામાં આવી છે. જો પાંચ દિવસની અંદર જાહેરાતના હોર્ડિંગ્સ બોર્ડ કે બેનરો ઉતારી લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત દ્વારા તમામ બેનર અને હોર્ડિંગ ઉતારી લેવામાં આવશે જેની જવાબદારી હોર્ડિંગ લગાવવા વાળા તથા જે તે કંપનીની રહેશે તેમ ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.