પોલીસ, પાલિકા અને રાજકીય પક્ષોની ઉદાસીનતાથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની મોરબી : મોરબી શહેરમાં પોલીસ, પાલિકા, આરટીઓ અને જિલ્લા વહીવટીતંત્રની લાપરવાહ નીતિને કારણે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની છે ત્યારે આજે વહેલી સવારથી પંચાસર ચોકડીએ ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો કલાકો સુધી પોતાના ગંતવ્ય સ્થાને પહોચી શક્યા નથી. વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબીમા આંતરિક રસ્તાઓના માળખાને મજબૂત કરવામાં પાલિકા અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે ઉણું ઉતર્યું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા રોજની બની છે. શહેર હોય કે શહેરની બહારનો વિસ્તાર હોય દિવસ દરમિયાન તમામ માર્ગો ઉપર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે આજે સવારથી પંચાસર ચોકડીએ ટ્રાફિકજામ સર્જાતા આ માર્ગ ઉપર એક કિલોમીટરથી પણ વધુ લંબાઈ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. આ ટ્રાફિકજામની સમસ્યા દરરોજ સર્જાતી હોવા છતાં સામાન્ય સંજોગોમાં આંટાફેરા કરતી પોલીસની પીસીઆર વાનના ખરા સમયે જ ક્યાંય દર્શન થયા ન હતા ઉપરાંત ટ્રાફિક પોલીસની જવાબદારી હોવા છતાં ખરા સમયે જ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન પણ ટ્રાફિકજામ હટાવવામાં ક્યાંય ઉપયોગી ન બનતા લોકોને કલાકો સુધી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ નહિ પરંતુ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોજે રોજ અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આરટીઓ દ્વારા પણ ટ્રાફિકજામની સમસ્યા નિવારવા અસરકારક પગલાં લેવા પડશે અન્યથા મોરબીની આ કાયમી સમસ્યાનો ઉકેલ નહિ આવે.