ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટ અને સંસ્થાઓએ શ્રમયોગીઓના પગારમાંથી કપાત કર્યા વિના રજા આપવી પડશે, સતત પ્રક્રિયાવાળા એકમોમાં 3 થી 4 કલાકની રજા અનિવાર્યમોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે તારીખ 26/04/2026, રવિવારના રોજ મોરબી જિલ્લામાં મતદાન યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગીઓ કોઈપણ આર્થિક નુકસાન વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નીચેની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે :● લોક પ્રતિનિધિત્વ ધારા-1951, કારખાના ધારા-1948 અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996ની જોગવાઈઓ અનુસાર, મતદાનના દિવસે તમામ નોંધણી થયેલ કારખાનાઓ, સંસ્થાઓ અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓને મતદાન માટે ‘સવેતન રજા’ આપવાની રહેશે.● રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં.● જો કોઈ શ્રમયોગી દૈનિક ધોરણે પગાર મેળવતા હોય, તો તેમને પણ તે દિવસે મળવાપાત્ર પૂરો પગાર ચૂકવવાનો રહેશે.● જે કારખાનાઓમાં સતત પ્રક્રિયા (Continuous Process) ચાલતી હોય અથવા જ્યાં શ્રમિકની ગેરહાજરીથી મોટા નુકસાનની સંભાવના હોય, ત્યાં શ્રમયોગીઓ પોતાનો મત આપી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના ગાળા દરમિયાન 3 થી 4 કલાકની સવેતન રજા આપવાની રહેશે.બળવંતસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યા અનુસાર, આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપતા શ્રમિકો લોકશાહીની પ્રક્રિયામાં પણ સક્રિયપણે જોડાઈ શકે. તમામ ઉદ્યોગપતિઓ અને સંચાલકોને આ કાયદાકીય જોગવાઈનું ચુસ્ત પાલન કરવા અને શ્રમિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #LocalBodyElection2026 #MorbiElections #VotingRights #WorkersRights #ElectionDay