પગાર વધારો અને ચોથા વર્ગના કાયમી કર્મચારી તરીકે ગણવા માંગ મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતી આશા ફેસિલિટરો બહેનો દ્વારા પગાર વધારો અને ચોથા વર્ગના કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી ૨૭મીથી આંદોલન શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં ફરજ બજાવતી આશા ફેસિલિટર બહેનો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા બહેનોનું શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવી જણાવ્યું હતું કે આશા બહેનોને દરમહીને ૧૧ થી ૧૩ ગામોની વિઝીટ કરવી પડે છે અને તે બદલ સરકાર માત્ર ૪૦૦૦ જેટલું વેતન ચૂકવે છે. વધુમાં બહેનોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સરકારના નીતિ નિયમો મુજબ દરરોજ અલગ અલગ ગામોની મુલાકાતને કારણે ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા બસભાડામાં અને ૨૦૦ થી ૪૦૦ નાસ્તા ખર્ચ થતો હોય માત્ર ૨૫૦૦ જેવી રકમ હાથમાં આવે છે જે આ મોંઘવારીમાં પરવડે તેમ નથી. વધુમાં પીએચસીની મુલાકાત સહિતના કામોના ભારણ વચ્ચે સરકાર દ્વારા મહિને ૧૦ હજાર વેતન અને ચોથા વર્ગના કર્મચારીનો દરજ્જો આપે તેવી માંગ ઉઠાવી આગામી ૨૭ સપ્ટેમ્બરથી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આશા ફેસિલિટરો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.