મચ્છરજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન લોકજાગૃતિ અભિયાન: ઘેર-ઘેર જઈને એન્ટી લાર્વા અને સર્વેની કામગીરી શરૂવાંકાનેર: ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે જૂન મહિનાને 'રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી માસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 'મેલેરિયા મુક્ત ભારત' ના સંકલ્પ સાથે વાંકાનેર તાલુકાના પાડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા સઘન લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.મેલેરિયા એ પ્લાઝમોડિયમ નામના પરજીવીથી થતો રોગ છે, જે એનોફિલિસ નામના માદા મચ્છર કરડવાથી ફેલાય છે. આ મચ્છરો સામાન્ય રીતે ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ, તાલુકા સુપરવાઈઝર માથકિયાભાઈ, મેડિકલ ઓફિસર ડો. આશિષ અને MPHS આર. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે.આરોગ્ય કર્મીઓ જેવા કે MPHW, FHW, CHO અને આશા બહેનો દ્વારા ઘેર-ઘેર જઈને પાણીના પાત્રોની તપાસ (સોર્સ રિડક્શન), મચ્છરોના પોરા નાશક (એન્ટી-લાર્વા) કામગીરી, ગપ્પી ફિશ મૂકવાની કામગીરી, પત્રિકા વિતરણ અને તાવના દર્દીઓના લોહીના નમૂના (બ્લડ સ્લાઇડ) લઈ સ્થળ પર જ સારવાર આપવાની કામગીરી અવિરત ચાલુ છે.આરોગ્ય વિભાગ દ્વારા લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે: 1. ડ્રાય ડે ઉજવો: અઠવાડિયામાં 1 દિવસ (જેમ કે રવિવાર) ઘરના તમામ પાણીના પાત્રો જેવા કે ફ્રિજની પાછળની ટ્રે, કૂલર, કુંડા, અને પક્ષીઓના ચણના વાસણો સાફ કરી, સૂકવીને ફરીથી ભરવા. 2. પાણી ઢાંકીને રાખો: પીવાના તથા વપરાશના પાણીના તમામ વાસણો, ટાંકી કે પીપને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. 3. સ્વચ્છતા જાળવો: ઘરની આસપાસ ભંગાર, ટાયરો, પ્લાસ્ટિકના કપ કે નાળિયેરના કાચલામાં પાણી જમા ન થવા દેવું. 4. મચ્છરદાનીનો ઉપયોગ: રાત્રે તેમજ દિવસે સૂતી વખતે મચ્છરદાનીનો આગ્રહપૂર્વક ઉપયોગ કરવો. 5. સ્વયં સુરક્ષા: મચ્છરો કરડવાથી બચવા માટે આખી બાયના કપડાં પહેરવા અને મચ્છર ભગાડતી ક્રીમ કે કોઈલનો ઉપયોગ કરવો.આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે છે. આથી, તાવ આવે ત્યારે આપમેળે કોઈ દવા લેવાને બદલે નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી. સરકારી સંસ્થાઓમાં મેલેરિયાનું નિદાન અને સંપૂર્ણ સારવાર તદ્દન મફત કરવામાં આવે છે. 'મચ્છર મુક્ત ઘર, રોગ મુક્ત પરિવાર' ના ઉદ્દેશ્ય સાથે સૌને પોતાની આસપાસ સ્વચ્છતા રાખી આ અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કરાયો છે.#Wankaner #PadhdharaPHC #MorbiUpdate #MalariaFreeIndia #AntiMalariaMonth #HealthAwareness #HealthDepartment