ઔદ્યોગિક વિસ્તારમાં 6.5 હેકટર જગ્યામાં કૃત્રિમ જંગલ ઉભું કરાશે : વૃક્ષોની 3 વર્ષ સુધી જાળવણી કરવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાશે મોરબી : મોરબીમાં પ્રદુષિત હવાને શુદ્ધ કરવા હવે વૃક્ષારોપણ તરફ તંત્રએ દોડ મૂકી છે. જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ફેકટરીઓથી ઘેરાયેલા એવા ઔદ્યોગિક વિસ્તાર ભડિયાદ નજીક ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. આ પાર્ક 6.5 હેકટરમાં ફેલાયેલો હશે. જેમાં અધધધ અઢી લાખ જેટલા વૃક્ષો વાવીને આખું કૃત્રિમ જંગલ ઉભું કરવામાં આવશે.મોરબી શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. પર્યાવરણના જતન માટે હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના વિવિધ રસ્તાઓ અને ડિવાઈડર પર 3300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરમાં ગ્રીન કવર વધારવા અને લોકોના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ ઓક્સિજન પાર્ક બનાવવાની દિશામાં પણ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના જણાવ્યા અનુસાર ભડીયાદ પાસે આવેલી 6.5 હેક્ટર સરકારી જમીનમાં આ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં આ જગ્યા પર સિરામિક ઉદ્યોગોનો માટીનો કચરો પડેલો છે, જેને સંપૂર્ણપણે હટાવીને ત્યાં 2.5 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. આસપાસમાં સિરામિક ફેક્ટરીઓ આવેલી હોવાથી આ વૃક્ષો પ્રદૂષણ ઘટાડવામાં સંજીવની સમાન સાબિત થશે. આ પ્રોજેક્ટ માટે એક એજન્સીને કામ સોંપવામાં આવશે, જે વૃક્ષો વાવ્યા બાદ આગામી 3 વર્ષ સુધી તેનું જતન અને જાળવણી પણ કરશે.