'મહા' વાવાઝોડાની અસરને પગલે સમગ્ર જિલ્લામા જામ્યો વરસાદી માહોલ મોરબી : મહા વાવાઝોડાની અસરને પગલે આજે બપોરથી જ સમગ્ર મોરબી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ટંકારા, માળિયા અને વાંકાનેરમા અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી અને હળવદમા માત્ર ઝાપટા જ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા મહા વાવાઝોડાની અસર દેખાવાનું આજથી જ શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપી છે. વાવાઝોડાની અસરને કારણે આજે બપોરના સમયથી સમગ્ર મોરબી પંથકમાં આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. આ ઉપરાંત અનેક જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો હતો. બપોરના અરસામાં મોરબીમાં ઝાપટા વરસ્યા હતા. જ્યારે હળવદ શહેરમાં માત્ર છાંટા જ પડ્યા હતા.પરંતુ હળવદ ગ્રામ્ય વિસ્તાર ચુપણી, સરમડા, કડીયાણા અને ચરડવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંકાનેરમાં 11 મિમી, માળિયામાં 19 મિમી અને ટંકારામાં 20 મિમી વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદથી ખેડૂતો બેહાલ બન્યા છે. નવા વર્ષના શરૂઆતના દિવસોથી જ શરૂ થયેલા માવઠાએ પાકને ભારે નુકશાની કરી છે. ત્યારે આજરોજ પડેલા વરસાદથી કેટલી નુકશાની થઈ તે હવે બહાર આવશે.