શનિવારે રાત્રિના બિનવારસી દારૂની બોટલો મળી આવી હતી : પોલીસની તપાસમાં રાજુ જોશીનું નામ ખૂલ્યું હળવદ : હળવદ શહેરમાં આવેલ શિવ બંગ્લોઝ નજીકના એક કોમ્પ્લેક્ષમાં ઈંગ્લીશ દારૂની બોટલો બિનવારસી હાલતમાં પડી હોવાની આજુબાજુના લોકોને જાણ થતા આ અંગે પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી બિનવારસી પડેલ દારૂની બોટલો જપ્ત કરી આ દારૂનો જથ્થો કોનો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસમાં દારૂનો જથ્થો અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા રાજુનો હોવાનું ખુલવા પામ્યું છે. જેથી, પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ શિવ બંગ્લોઝ નજીકના એક કોમ્પલેક્ષમાં શનિવારની રાત્રિના દારૂની બોટલો બિનવારસી હાલતમાં પડી હોવાની જાણ લોકોને થતાં આ અંગે પોલીસનું ધ્યાન દોર્યું હતું. જેથી ટાઉન બીટ જમાદાર ભરતભાઈ આલ, યોગેશ દાન ગઢવી, દેવભા ઝાલા, બીપીનભાઈ પરમાર, અરજણભાઈ ભરવાડ સહિતનાઓ દોડી જઇ બિનવારસી પડેલ દારૂની ૬૫ બોટલો જપ્ત કરી આ દારૂનો જથ્થો અહીં કોણ મૂકી ગયું છે? તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ દારૂનો જથ્થો અગાઉ દારૂના પ્રકરણમાં પોલીસને હાથે ચડી ગયેલા રાજુભાઈ રમણીકભાઈ જોશી (રહે હળવદ) વાળાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી, પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.