મોરબીના ખેલાડીઓએ માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં ઝળકાવી પ્રતિભા, ગુજરાત બન્યું ચેમ્પિયનમોરબી: જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે ગત તારીખ 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલ 'આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ'માં મોરબી જિલ્લાના ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કરી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં મોરબીના કુલ 8 ખેલાડીઓએ (7 મહિલા અને 1 પુરુષ) ભાગ લીધો હતો.કકડતી ઠંડીમાં સુવર્ણ સફળતાગુલમર્ગના -10 ડિગ્રી (માઈનસ 10 ડિગ્રી) જેવા થીજવી દેતા તાપમાનમાં પણ મોરબીના રમતવીરોએ અદભૂત ખેલદિલી બતાવી હતી. આ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શનને આધારે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેમ્પિયન બન્યું છે.વિજેતા ટીમના ખેલાડીઓમાં સિનિયર મહિલા કેટેગરીમાં દક્ષાબેન, પ્રફુલ્લાબેન અને હેતલબેને ટીમ ગેમ, ટીમ ટાર્ગેટ અને ટીમ ડિસ્ટન્સ જેવી વિવિધ ઈવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કરી 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. સિનિયર પુરુષ કેટેગરીમાં મોરબીના એકમાત્ર પુરુષ ખેલાડી યોગેશ સંજયભાઈએ પોતાની કુશળતાના જોરે 1 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અંડર-16 ગર્લ્સ કેટેગરીમાં નાની વયની ખેલાડીઓ ખુશી અદ્રોજા, યાત્રા અને રુદ્રાએ પણ મેદાન માર્યું હતું. આ ત્રિપુટીએ કુલ 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ જીતી પોતાની પ્રતિભા સાબિત કરી છે.આ ભવ્ય સફળતા બદલ મોરબી જિલ્લા રમતગમત પ્રેમીઓ અને અગ્રણીઓએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. આ જીત આગામી સમયમાં મોરબીના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.