જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વહીવટી તંત્રની બેધારી અને અણઘડ નિતી સામે કચવાટ : કેટલાક બીએલઓને પોલિંગ ઓફિસર બનાવાયા મોરબી : મોરબીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ ભર બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પોલિંગ ઓફિસરને બદલે પ્રિસાઇડીંગ ઓફિસર બનાવી દેવાતા શિક્ષકોમાં રોષ સાથે કચવાટ પણ જોવા મળી રહ્યો છે જો કે કેટલાક વગદારોને બરોબર બીએલઓ બનાવી દેવતા આ રોષ વધુ ભભૂક્યો છે. સામાન્ય રીતે આખુ વર્ષ ચૂંટણીલક્ષી કામગીરી કરતા બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.)શિક્ષકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન મથક ઉપર પોલિંગ ઓફિસર તરીકે ફરજ સોંપાતી હોય છે.પરંતુ આ વખતની ચૂંટણીઓમાં બી.એલ.ઓ.ને પણ પ્રિસાઈન્ડિંગ ઓફિસર તરીકે ફરજ સોંપેલ છે.પ્રથમ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અમુક બી.એલ.ઓ.ના પ્રિસાઈન્ડિંગ ઓફિસર તરીકેના ચૂંટણી ફરજ હુકમો રદ કરી આપવામાં આવ્યા છે અને અમુક બી.એલ.ઓ.ના હુકમો પ્રિસાઈન્ડિંગ ઓફિસરમાંથી પોલિંગ ઓફિસરમાં તબદીલ કરી નાખવામાં આવ્યા છે.જ્યારે ઘણાખરા બી.એલ.ઓ.હાલ પ્રિસાઈન્ડિંગ ઓફિસર તરીકે કાર્યરત છે.આવું શા માટે? તેવો સવાલ શિક્ષકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. વધુમાં એકને ગોળ અને બીજાને ગોળ ઉક્તિ મુજબ બીએલઓને અન્યાય થતા એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, આ બધું નિયમ અનુસાર થઈ રહ્યું છે કે તંત્રની મીઠી નજર હેઠળ થઈ રહ્યું છે? હાલ બી.એલ.ઓ.શિક્ષકો માટે આ ચર્ચાનો વિષય બની રહ્યોં છે. તંત્રની આવી બેધારી અને અણઘડ નિતી સામે શિક્ષકોમાં એક પ્રકારનો રોષ સાથે કચવાટ વ્યાપી રહ્યોં છે.આ બાબતે તંત્ર દ્વારા એકસમાન કાર્યવાહી થાય તેવું બી.એલ.ઓ. શિક્ષકો ઇચ્છી રહ્યાં છે.