લાતી પ્લોટ -7 મેઈન રોડ ઉપર માટીના ઢગલાને કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી, વહેલીતકે રોડ ઉપર ખડકાયેલા માટીના ઢગલા ઉપાડવા પાલિકને રજુઆત મોરબી : મોરબીના લાતીપ્લોટ -7 મેઈન રોડ ઉપર અગાઉ ગટરના પાઇપ નાખવા માટે રોડ ખોદી નાખ્યા બાદ આ કામ પૂરું થવા છતાં માટીના ઢગલા ન ઉપાડાતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. આ કામ કરનાર જવાબદાર કોન્ટ્રાકટ એજન્સી અને પાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં માટીના ઢગલા ન ઉપાડાતા ભારે રોષ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ વહેલીતકે રોડ ઉપર ખડકાયેલા માટીના ઢગલા ઉપાડવા પાલિકાને રજુઆત કરી છે. મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં નગરપાલિકાની એક કોન્ટ્રાકટ કંપની દ્વારા ભૂગર્ભ ગટરના પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં લાતીપ્લોટ-7 નબરના મેઈન રોડ ઉપર ખાડા ખોદીને પાઇપ લાઈન બિછાવી દેવામાં આવી છે. પણ જે રોડ ઉપર ગટર માટેના ખાડા ખોદયા હતા. એના માટીના ઢગલા રોડ ઉપર જેમની તેમ જ છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસથી લાતીપ્લોટ-7 નબરના મેઈન રોડ ઉપર વધારાની માટીના ઢગલા પડ્યા છે. સ્થાનિકો જવાબદાર એજન્સીને રજુઆત કરે તો એજન્સી એમ કહે છે કે, રોડનું કામ કરવાનું છે. આથી એ લોકો માટીના ઢગલા ઉપાડી લેશે. જો કે અગાઉ નગરપાલિકાને રજુઆત કરી હતી.ત્યારે આ માટીના ઢગલા ઉપાડવાની કામગીરી કરી પણ એમાં વેઠ ઉતારી હતી. હજુ માટીના ઢગલા રોડની વચ્ચોવચ્ચ હોય મોટું વાહન નીકળી શકે એમ જ નથી. આથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડતી હોય આ અંગે નગરપાલિકાને રજુઆત કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પાલિકાએ કોન્ટ્રાકટરને માટીના ઢગલા ઉપાડવાની સૂચના આપી લાતીપ્લોટમાં ગટરના કામ પણ પણ માટીના ઢગલા ના ઉપાડાતા હોવાની ફરિયાદ સંદર્ભે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાતીપ્લોટમાં માટીના ઢગલા ઉપાડવાની કોન્ટ્રાકટરને સૂચના આપી દીધી છે. તેમજ રોડના કામ પણ ઝડપથી કરવાની તાકીદ કરાઈ છે.