હાલના કોરોના કાળમાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં મહેકમ વધારવાની તાતી જરૂરિયાત હોવા છતાં તંત્રની ઉદાસીનતા વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલને અગાઉ પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવી હતી. પણ આ મુજબનું હજુ સુધી મહેકમ ફળવાયું જ નથી. સામુહિક આરોગ્ય કેન્દ્ર મુજબનું મહેકમ યથાવત રાખતા તંત્રએ લોકો સાથે કુર મજાક કરી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. જો કે હાલના કોરોના કાળમાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં મહેકમ વધારવાની તાતી જરૂરિયાત હોવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલને 6 ઓગસ્ટ, 2015ના રોજ અધિક નિયામક તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર વાંકાનેરમાંથી પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી હતી. તેમ છતા હજુ સુધી મહેકમ સામુહિક આરોગ્ય કેન્દ્ર મુજબનું જ રાખ્યું છે. તેમજ 24 જૂન, 2020ના રોજ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે અધિક નિયામક તબીબી સેવાઓ ગાધીનગર અને મનીષાબેન ચંદ્રાની રૂબરૂ મુલાકાત દરમ્યાન મહેકમ વધારવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ હતુ. આ ઉપરાંત, હાલ કોવિડની પરિસ્થીતીને ધ્યાને લઇ સ્ટાફની તાત્કાલીક જરૂરીયાત છે. અને આ અંગે જીલ્લા કલેક્ટર-મોરબી અને અધિક નિયામક તબીબી સેવાઓ ગાંધીનગર સાથે પત્રવ્યવહાર કરેલ હતો. તેમ છતાં આ અંગે આજ દિન સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેથી, હાલની કોરોનાની પરિસ્થિતિમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આથી, વાંકાનેરની સિવિલમાં તાત્કાલિક મહેકમ વધારવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.