મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તંત્ર સામે કેમ ચૂંટણી લડવી તેવો ગંભીર આક્ષેપ લગાવી ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવા ધારાસભ્યની માંગ મોરબી-વાંકાનેર પાલિકાના ઉમેદવારોને ભાજપ ઉપાડી ગયો હોવાનો આરોપ : તાલુકા સેવા સદનની ઘટનામાં પોલીસ ફરિયાદી બને તેવી માંગ મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ સામે અમે 25 વર્ષથી લડીએ છીએ પણ તંત્ર સામે લડવું મુશ્કેલ હોવાનું જણાવી ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરાએ મોરબીમાં લોકશાહીનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે અને અમારે અમારા ઉમેદવારને બિલાડીના બચ્ચાની માફક સાચવવા પડતા હોવાનો આરોપ લગાવી તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્ર પરત ખેંચવાની ચીમકી આપતા સનસનાટી મચી જવા પામી છે.. મોરબીમાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન તાલુકા સેવા સદન ખાતે ભાજપ -કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર વચ્ચે હાથાપાઈની ઘટના ઉપરાંત વાંકાનેર પાલિકા તેમજ મોરબી પાલિકાના કેટલાક ઉમેદવારોને ભાજપે ઉપાડી લીધા હોવાનો ગંભીર આરોપ લગાવી કોંગ્રેસના ટંકાર મત વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ તકે ધારાસભ્ય કગથરાએ રોષભેર જણાવ્યું હતું કે અમે ભાજપ સામે 25 વર્ષથી લડતા આવ્યા છીએ અને લડતા રહેશું પણ આજની ઘટનાઓ જોતા હવે તંત્ર ભાજપનો પક્ષ લઈ રહ્યું છે જેથી તંત્ર સામે અમે લડી શકીએ તેમ ન હોવાનું અફસોસ સાથે જણાવ્યું હતું. વધુમાં તેમને ઉમેર્યું હતું કે ચૂંટણી પ્રચાર તો ઠીક પોલીસ અને તંત્રની હાજરીમાં ઉમેદવારીપત્રની ચકાસણીમાં પણ ગુંડાગીરી આચરવામાં આવી રહી છે ત્યારે આ જ રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવી હોય તો કોંગ્રસ સ્વેચ્છાએ ચૂંટણીમાં પ્રક્રિયામાં તમામ બેઠકો ઉપરથી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચી લેશે.ખરેખર હાલના સંજોગોમાં મોરબીમાં ન્યાયિક અને નિર્ભીક વાતાવરણમાં ચૂંટણી યોજાય રહી હોય તેવું જણાતું નથી ઉપરાંત સવારની ઘટનામાં પણ પોલીસ ફરિયાદી બને તેવી માંગ ઉઠાવી મોરબીમાં લોકશાહી મુજબ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવા માંગ ઉઠાવવામાં આવી હતી.