૧૫મી જાન્યુઆરી સુધીમાં કૃતિ મોકલવાની રહેશે મોરબી : મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી 'મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ' ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને 'મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ' ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગહસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે '૨૬મી જાન્યુઆરી- પ્રજાસત્તાક દિવસ' કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે એ-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર '૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ' વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ચિત્રની પાછળ નામ સરનામું લખી સાથે આધારકાર્ડની નકલ રાખી તા.૧૫/૦૧/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં મોરબી જીલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ ખાતે મોકલવાની રહેશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.