માળીયા(મી.) : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા.18 થી 22 દરમ્યાન દરેક તાલુકાઓમાં 'બ્લોક હેલ્થ મેળા'નું આયોજન કરવા સૂચના આપેલ છે.જે અંર્તગત આગામી તા.21ના રોજ માળિયામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન,લેબોરેટરી સેવાઓ,નિઃશુલ્ક દવાઓ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.તેમજ આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા.18 થી 22 દરમ્યાન દરેક તાલુકાઓમાં 'બ્લોક હેલ્થ મેળા'નું આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લામાં કલેક્ટરના વડપણ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન થકી જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી દ્વારા માળીયા તાલુકામાં તાલુકા કક્ષાએ આરોગ્ય સેવા યોજવા માટેનું આયોજન કરેલ છે.જેમા તા.21ના રોજ માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે આરોગ્ય મેળો યોજાનાર છે. જેથી આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા માળીયા તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર માળીયા,તાલુકા વિકાસ અધિકારી તેમજ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા માળીયા તાલુકાના લોકોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે. આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈડી કાર્ડ,PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જેના માટે લાભાર્થીનું આધારકાર્ડ,રેશનકાર્ડ,આવકનો દાખલો જેવા ડોક્યુમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે.જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન લેબોરેટરી સેવાઓ મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ,બીપી, કેન્સર,માનસિક રોગોનું નિદાન ચેપી રોગો અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહીતી પૂરી પાડવામાં આવશે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા,આરોગ્ય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ,ટી.બી મુક્ત ભારત વગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.તમાકુ આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.