આગામી 13 ફેબ્રુઆરીએ લગ્નોત્સવ યોજાશે : સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છતા યુગલોએ તા. 20 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરવાનું રહેશેમોરબી : મોરબીમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક નોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. 13-2-2025ને ગુરુવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. કરિયાવરમાં દીકરીઓને સોના ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી 14 વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવી છે. આ સેવાકાર્ય દેવકરણભાઈ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ થયું છે. આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં 14 કેન્દ્રો દ્વારા ચાલી રહ્યો છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા 8 વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે રૂ. 1 લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ 60 વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના શ્રીમતી ઉમાબેન સૌમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ 8 વર્ષોમાં 285થી વધુ દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવેલ છે.આગામી તા. 13-2-2025ના ગુરુવારે આ મુજબના નવમાં સમૂહલગ્નનું આયોજન કર્યું છે. અને આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં જોડાવવાની ઈચ્છા હોય તેઓ વર કન્યાના ૨ ફોટા, બન્ને ના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા – પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યા ની બેંક પાસબૂકની ઝેરોક્ષ માતા – પિતાનો મરણ દાખલો લઇ અને મહંત બાબુભાઈ - સાંઈ મંદિર, રણછોડ નગર, મોરબી ખાતે મહંત બાબુભાઈ સાંઈ મંદિર (મો.નં.99092 15755), લા. ટી.સી.ફૂલતરિયા (મો.નં. 88499 48925), બાલુભાઈ કડીવર (મો.નં. 99798 91217) અને રણછોડભાઈ કૈલા (મો. નં. 98258 08282) પર સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 20-1-2025 છે.આ ઉપરાંત પ્રતિ માસ 1000 થી 1100 ગંગાસ્વરૂપ, અસહાય મહિલાઓને અનાજની કીટ આપવામાં આવે છે. જેમાં 5 કિલોગ્રામ ઘઉં, 1 કિલોગ્રામ ખીચડી, 1 કિલોગ્રામ ખાંડ અને 1 લીટર ખાદ્યતેલ સહિત અંદાજે રૂ.300ની એક કીટ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેમાં દાતાની ઈચ્છા અનુસાર વધારાની વસ્તુઓનો પણ ઉમેરો થાય છે.આ ઉપરાંત ગંગાસ્વરૂપ મહિલાઓને સાડી, દવાના બીલ, તેમના સંતાનોને પુસ્તક સહાય તથા સ્કોલરશીપ તથા તહેવારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. ગંગાસ્વરૂપ અસહાય મહિલાઓને સ્વનિર્ભર થવા માટે, ગુજરાત સરકાર માન્ય સીલાઈકામનું શિક્ષણ આપવામાં આવે છે અને સિલાઈકામમાં ઉતીર્ણ થયા બાદ સિલાઈ મશીન આપી કાયમ માટે પગભર થઇ, સ્વાભિમાનપૂર્વક રોજીરોટી કમાઈ શકે છે. આજદિન સુધીમાં 100થી વધારે મહિલાઓને સ્વનિર્ભરતા અપાયેલ છે.