ટંકારા : ટંકારાના વિશ્વાસભાઈ પંડ્યાના પત્નીએ કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો લીધેલો હોય અને બીમારીની સર્જરીનો વીમો આપવાની કંપનીએ ના પાડતા આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરતાં આ કેસ ચાલી જતાં ગ્રાહક અદાલતે અરજદારને વીમાની રકમ ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે.વિશ્વાસભાઈ પંડ્યાના પત્ની વીણાબેન પંડ્યાએ કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીનો મેડિકલ વીમો લીધો હતો. આ અરસામાં તેમણે સર્જરી કરાવેલી હોય વીમાની રકમ મેળવવા વીમા કંપની સમક્ષ જરૂરી કાગળો રજૂ કર્યા હતા. પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી દીધી હતી. જેથી વિશ્વાસભાઈ પંડ્યાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં જતાં ગ્રાહક અદાલતે વીણાબેન પંડ્યાને 1,84,130 અને 8000 અન્ય ખર્ચના 9 ટકાના વ્યાજ સાથે તારીખ 5-2-2022થી ચુકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે.