મોરબી કોર્ટે પાટીદાર અગ્રણી મનોજ પનારાની ફરિયાદને આધારે બદનક્ષીનો કેસ ચલાવવા હુકમ કર્યોમોરબી : મોરબી જિલ્લાના પાટીદાર સમાજની દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ રાખી બોયફ્રેન્ડ સ્વેપિંગ કરી આવા બોયફ્રેન્ડને મોંઘી ગાડીઓ લઈ દેતી હોવાની વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન અને ફોજદારી ફરિયાદ નોંધવા પાટીદાર સમાજે માંગ કરવા છતાં પગલાં ન લેવાતા અંતે આ મામલે મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવામાં આવતા મોરબી કોર્ટે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરી 17મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.સુરતમાં એક સમારોહમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીના પાટીદાર સમાજને બદનામી થાય તેવું ભાષણ કરી પાટીદાર સમાજની દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ રાખતી હોવાનું અને છથી સાત જેટલી દિકરીઓ બોયફ્રેન્ડ સ્વેપિંગ કરી આવા બોયફ્રેન્ડને 40થી 50 લાખની ગાડી ભેટમાં આપતી હોવાના પાયાવિહોણા આક્ષેપો કરી સમગ્ર પાટીદાર સમાજને બદનામ કરતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.બીજી તરફ કાજલ હિન્દુસ્તાનીના આવા બફાટ સામે મોરબીના પાટીદાર સમાજે વિરોધ કરી મોરબીમાં વિશાળ રેલી યોજી પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો નોંધવા માંગ કરી હતી. જો કે, આમ છતાં પાટીદાર સમાજની માંગ ન સંતોષાતા અંતે મોરબી કોર્ટમાં પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરતા મોરબી કોર્ટ દ્વારા 14 ઓગસ્ટના રોજ કેસની સુનાવણી કરી આગામી તા.17મી સપ્ટેમ્બરે કાજલ હિન્દુસ્તાનીને હાજર થવા ફરમાન કરી કોર્ટમાં કેસ ચલાવવા આદેશ કર્યો છે.