મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલું જાહેરનામું મોરબી : મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ હથિયારધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે. જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ પેટાચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા સ્થાનિક પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા. આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ પેટાચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી. આ આદેશ ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તાર પુરતો જ લાગુ પડશે. આ આદેશ અન્વયે પેટાચૂંટણી મત વિસ્તારમાં માન્યતા ધરાવતી સીક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી. મંજુરી વિના સભા-સરધસ યોજવા પર પ્રતિબંધ મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..