ડુંગળી-બટાકાના ભાવ ગગળેલા ભાવ મામલે સરકારનો મહત્વનો નિર્ણય : સહાય આપવામાં આવશે મોરબી : ડુંગળી-બટાકાના તળિયે બેસી ગયેલા ભાવમાં રાહત આપવા ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી 70 કરોડની સહાયની આપવા જાહેરાત કરી છે, સાથે - સાથે કમોસમી વરસાદથી થયેલા નુકશાન માટે સર્વે કરવા પણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના લીધે ધરતી પુત્રો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે ડુંગળી-બટાકાના ભાવ મામલે વિધાનસભા ગૃહમાં ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી પણ આપવામા આવશે અને સાથે ખેડૂતો માટે 70 કરોડની સહાયનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સહાયમાં સરકાર ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય કરશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, ફેબ્રુઆરી માસના બીજા જ સપ્તાહથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને ખાવાના બટાકા પકવવા માટે ટ્રાન્સપોર્ટ સબસિડી સાથે સ્ટોરેજ માટે પણ સહાય અપાશે. કોલ્ડ સ્ટોરેજમાં માટે ખેડૂતોને પ્રતિ કિલો એક રૂપિયાની સહાય, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય, બટાકા અન્ય દેશમાં નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકાની સહાય અપાશે. 600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય અપાશે.