મરણના બોગસ દાખલાને આધારે વારસાઈ નોંધ પડયાનો ધડાકો : જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ પ્રાંત અધિકારીએ મંજુર કરેલી નોંધ રદ કરવા કર્યો હુકમ મોરબી : મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પારકી જમીન હડપ કરી જવાના કૌભાંડમાં પ્રાંત અધિકારીએ મંજુર કરેલી વારસાઈ નોંધ રદ કરવા હુકમ કરતા જમીન કૌભાંડી તત્વોના હાથ હેઠા પડયા છે. આ ચકચારી તોસ્તાન કૌભાંડમાં જિલ્લા કલેકટરે આપેલા ચુકાદામાં વરસાઈ નોંધ પડાવવા માટે જમીનના મૂળ માલિકનું મરણ પ્રમાણપત્ર રજૂ થયું હોય જેની ખરાઈ કરવામાં આવતા મહાનગર પાલિકાએ એવું કોઈ પ્રમાણપત્ર જ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવાનો જવાબ રજૂ કરતા જમીન કૌભાંડી તત્વોએ જમીન હડપ કરવા બોગસ મરણનોંધનો દાખલો બનાવ્યો હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.મો૨બી શહેરના વજેપર ગામના રેવન્યુ સર્વે નં.૬૦૨ ની હે. ૧-૫૭-૮૩-વાળી જમીન રેકર્ડમાં બેચરભાઈ ડુંગરભાઈના નામે ખાતા નં.૧૫૮ થી ચાલતી હોય, તેઓનું તા.૮/૩/૧૯૭૬ રોજ અવસાન થયેલ હતું. જેમાં જમીનના મૂળ માલિકોને બદલે જમીન કૌભાંડી તત્વોએ બેચરભાઈ ડુંગરભાઈના ખોટા પુરાવા રજૂ કરી શાંતાબેન બેચરભાઈ ડાભીના નામની વારસાઈ નોંધ કરાવી લઈ બાદમાં માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગામના સરપંચ સાગર આંબારામભાઇ ફૂલતરીયાના નામનો વેચાણ દસ્તાવેજ કરાવી લેતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં આ કેસમાં જોરશોરથી તપાસ ચાલી રહી છે.બીજી તરફ કરોડોની કિંમતી જમીન હડપ કરી જવા પ્રકરણમાં જમીનના મૂળ માલિક એવા બેચરભાઈ ડુંગરભાઈ નકુમના 30થી વધુ વારસદારો દ્વારા તેમની જમીનમાં ખોટી વારસાઈ નોંધ પડી જવાની સાથે વેચાણ પણ થઇ ગયું હોવાની જાણ થતા જ ભીમજીભાઈ બેચરભાઈ નકુમ વગેરે દ્વારા વારસાઈ અને વેચાણ નોંધ સામે વાંધો લેવા છતાં નાયબ કલેકટર સુશીલ પરમારે સાચા વારસદારોના વાંધા ગ્રાહ્ય રાખવાને બદલે વાંધેદારોની વાંધા અરજી નામંજુર કરીને જમીન કૌભાંડિયા તત્વોની વારસાઈ અને વેચાણ નોંધ મંજુર કરી હતી જેની સામે જમીનના મૂળ માલિકોએ જિલ્લા ક્લેક્ટરમાં અપીલ કરી હતી.જેમાં પ્રથમ તબક્કે જિલ્લા કલેકટર દ્વારા જમીન કૌભાંડી તત્વોએ પડાવેલી વારસાઈ નોંધ રદ કરવા હુકમ કર્યો છે.દરમિયાન મોરબી જિલ્લા કલેકટરની કોર્ટમાં આ કેસ ચાલી જતા અરજદાર ભીમજીભાઈ બેચરભાઈ નકુમ સહિતના વારસદારોએ રજૂ કરેલા પુરાવાઓ ધ્યાને લઈ આ જમીન બેચરભાઈ ડુંગરભાઈ ની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી હોવાનું નોંધી ભળતા નામ આધારે બેચરભાઈ ડુંગરભાઈ ડાભીના વારસદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વારસાઈ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત આ કિસ્સામાં શાંતાબેન બેચરભાઈ ડાભીએ રજૂ કરેલ ડાયબેન બેચરભાઈ ડાભી તથા બેચરભાઈ ડુંગરભાઈ ડાભીના મરણના દાખલાની નકલમાં જણાવેલ નોંધણી નંબર અને તારીખની રેકોર્ડ તપાસણી કરતાં નોંધણી નંબર અને તારીખ મુજબ નોંધ ન હોવાનું પણ કેસમાં નોંઘી જિલ્લા કલેકટરે વારસાઈ નોંધ રદ કરવા પાંચ પાનનો ચુકાદો આપ્યો હતો.