મોરબી : મોરબી જિલ્લામાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી બંધ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાથી આકસ્મિક સારવારમાં દર્દીઓને નાણાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.મોરબી જિલ્લામાં આયુષ્માન કાર્ડ માટેની વેબસાઈટમાં અપડેટ ચાલી રહ્યું હોય છેલ્લા એક અઠવાડિયાથી નવા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી મોરબી સહિત ગુજરાતભરમાં બંધ છે. જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો પાસે આયુષ્માન કાર્ડ નથી અને કોઈ બીમારી આવી પડે છે તે લોકોને કાર્ડ ન હોવાના કારણે આ યોજનાનો લાભ મળી શકતો નથી અને તાત્કાલિક કાર્ડ પણ કઢાવી શકતાં નથી. જેથી આવા દર્દીઓને સ્વ ખર્ચે સારવાર કરાવવી પડી રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના ડો. હાર્દિક રંગપરીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, વેબસાઈટ ચાલુ થતાં હજુ ત્રણ-ચાર દિવસ લાગી શકે છે. ત્યારે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે હજુ પણ લોકોને ત્રણ-ચાર દિવસ રાહ જોવી પડી શકે છે. આમ મોરબી જિલ્લામાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોય લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.