મોરબી : મોરબી જિલ્લા કોર્ટ ખાતે આજરોજ તારીખ 1 ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર એટલે કે સીએફસીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા જજ મહિડા સાહેબે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના સૂચન અને નિર્દેશ અનુસાર નામદાર ન્યાયમૂર્તિ બી. એન. વૈષ્ણવના હસ્તે આજ રોજ મોરબી જિલ્લા કોર્ટ ખાતે CFC સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. CFC સેન્ટરના ઉદ્ઘાટનથી દાવેદારો વન વિન્ડો સિસ્ટમ હેઠળ તમામ કેશો એક જ જગ્યાએ દાખલ કરી શકશે. એટલે કે ચીફ કોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોઈપણ પક્ષકાર કેસ દાખલ કરશે તેને ત્યાં જવાનું રહેશે નહીં, વકીલોએ પણ ત્યાં જવાની જરૂર નહીં પડે, ચાર્જશીટ ફાઇલ કરનાર પોલીસ એજન્સીએ પણ ત્યાં જવાનું નહીં રહે. એટલે કે જે કોર્ટમાં જે કેસ આવે તેની ફાઈલો અને વહેંચણી સુગમતા અને સરળતાથી થશે.મોરબી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચણિયાએ જણાવ્યું હતું કે, આજરોજ મોરબી જિલ્લા કોર્ટ ખાતે સેન્ટ્રલ ફાયલિંગ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે મોરબીની જનતાને એક ખૂબ જ સરસ સુવિધા પ્રાપ્ત થઈ છે. આ સેન્ટર શરૂ થતા જિલ્લાની કોઈપણ કોર્ટમાં દાખલ થતો કેસ એક જ જગ્યાએ દાખલ થઈ શકશે અને અહીંથી જે તે કોર્ટમાં ફાઇલ પહોંચાડવામાં આવશે. મોરબી જિલ્લામાં આ સેન્ટર શરૂ થવાથી ન્યાય પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.