મુખ્ય માર્ગો ઉપર લાંબા સમય બાદ અગાઉ જેવો જ ટ્રાફિક દેખાયો, જનજીવન રાબેતા મુજબ કામમાં પરોવાયું મોરબી : મોરબીમાં શુક્રવારે મીની લોકડાઉનમાં સરકારે થોડી છૂટછાટો આપી દરરોજ બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપતા લાંબા સમય બાદ વેપાર ધંધા પુનઃ શરૂ થવાથી વેપારીઓને રાહત થઈ હતી. જો કે શુક્રવારે અને શનિવારે બજારો થોડી શુષ્ક રહ્યા બાદ આજે સોમવારે ઉઘડતી બજારે મોરબીમાં અગાઉ જેવો જ ટ્રાફિક દેખાતા વેપાર-ધંધાની ગાડી હવે પાટે ચઢી છે. એકંદરે જનજીવન રાબેતા મુજબ કામમાં પરોવાયું છે. મોરબીમાં કોરોનાની બીજી લહેરને કારણે મીની લોકડાઉન લાગુ કરતા ઘણા સમય સુધી બજારો બંધ રહી હતી અને લાંબા સમયથી બજારોમાં કાગડા ઉડતા હતા. ત્યારે સરકારે વેપાર-ધંધાને ફરી પાટે ચઢવવા માટે દુકાનો ખોલવાની મંજૂરી આપતા મોરબીની બજારો ધમધમી ઉઠી છે. એમાંય આજે સોમવારે મોરબીની બજારોમાં વધુ ચહલ-પહલ જોવા મળી હતી અને મુખ્યમાર્ગો ઉપર અગાઉ જેવો જ ટ્રાફિક જોવા મળ્યો હતો. દરેક લોકો પોત-પોતાના રૂટિન કામોમાં લાગી ગયા છે. આથી, શહેરમાં ફરી ધબકતું થયું છે. મોરબીના મુખ્ય માર્ગો શનાળા-રવાપર રોડ, નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ, શાક માર્કેટ રોડ અને પરાબજાર સહિતના વિસ્તારોમાં અગાઉ જેવો ટ્રાફિક દેખાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. એકંદરે લોકો સાવચેતી સાથે કામધંધામાં વળગી જતા થોડી રાહત થઈ છે.