મોરબી : આગામી 21 જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી સૂર્યનમસ્કાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 વર્ષથી ઉપરની બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી આયોજિત આ હરીફાઈમાં વિજેતા થયેલા બહેનોને ક્લબ તરફથી પ્રોત્સાહન રૂપે શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા લેડીઝ વિંગના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં જજ તરીકે પ્રખ્યાત એવા યોગ ટ્રેનર રૂપલબેનના શાહએ સેવા આપી હતી. આ તકે ક્લબના પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ દરેક સ્પર્ધકો અને પ્રોગ્રામના સ્પોન્સર તનિષ્ક જ્વેલર્સની પૂરી ટીમનો આભાર માન્યો હતો.