મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરાઈ મોરબી : આજે જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે તકેદારીના પગલાંરૂપે IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા આવતીકાલ તા. 23 માર્ચથી તા. 29 માર્ચ સુધી ઓપીડી સેવાઓ બંધ રાખવાનો તેમજ અત્યંત આવશ્યક અને ઇમરજન્સી કેસની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, IMA દ્વારા કોરોના વાયરસ ના ફેલાય તે માટે સાવચેતી રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. હોસ્પીટલોમાં દરેક પ્રકારના દર્દીઓ આવે છે. જેથી, બીજાનું ઇન્ફેક્શન તમને કે તમારા સગાને ના લાગે તે માટે ઇમરજન્સી સિવાય હોસ્પિટલમાં આવવાનું ટાળશો. રૂટીન ચેક અપ તથા સામાન્ય તકલીફ માટે તમારા ફેમીલી ડૉકટરની ફોન પર સલાહ લેશો. તમારી તબિયત અંગે તાત્કાલિક સારવારની જરૂર ના હોય તો બે અઠવાડિયા સુધી હોસ્પિટલ જવાનુ ટાળશો. પ્લાન સર્જરી એક મહીના સુધી મોકુફ રાખશો. ઇમરજન્સી સંજોગમાં જો હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર પડે તો ફોન કરીને જવુ અને બીજા દર્દીઓથી ઓછામાં ઓછુ એક મીટરનું અંતર રાખશો. ઈમરજન્સી સંજોગમાં દર્દી સાથે એકથી વધુ સગાએ સાથે ના જવુ. હોસ્પિટલમા બિન જરૂરી જગ્યા જેવી કે દાદરની રેલીંગ, લીફ્ટ, દિવાલ, ખુરશી, પલંગ વગેરેને હાથ ના લગાડશો. હોસ્પીટલ જતા પહેલા અને આવ્યા બાદ હાથ સેનીટાઇઝરથી કે સાબુથી સાફ કરવા. ડૉકટરની સલાહ અનુસાર વર્તશો અને સુચનાઓનું ચુસ્તપણે પાલન કરશો. આ સૂચનાઓનું પાલન કરી આવા કપરા સમયમાં ડોક્ટરોને સાથ-સહકાર આપવા અપીલ કરાઇ છે.