ગામે-ગામ કલમ 144 લાગે તેવી પૂરી તાકાતથી વીજ લાઈનો સામે વિરોધ કરવાની જેતપર ખેડૂત સમિતિની ચીમકીમોરબી : ગઈકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં તંત્રના જાહેર કર્યા મુજબ બેઠકમાં ખેડૂતોની ઉપસ્થિતિમાં MRCને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કે જેતપર ખેડૂત સમિતિએ આ વાતનું ખંડન કરતા સ્પષ્ટતા કરી છે કે આ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહિ પણ ભાજપના હોદ્દેદારો જ હાજર રહ્યા હતા. ગુજરાતમાં વીજ ઉત્પાદન અને માંગના વાસ્તવિક આંકડાખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ એ માર્ચ 2025 સુધીના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ વીજળીનું ઉત્પાદન 58.2 ગીગાવોટ છે. જેમાંથી સોલાર અને પવનચક્કી (RE ઉર્જા) દ્વારા 31.4 ગીગાવોટ અને કોલસાથી 16 ગીગાવોટ ઉત્પાદન થાય છે. તેની સામે ગુજરાત રાજ્યની રિયલ ટાઈમ ડિમાન્ડ (માંગ) માત્ર 22 ગીગાવોટ છે. આ જોતાં, માત્ર RE ઉર્જાથી જ રાજ્યની જરૂરિયાત પૂરી થઈ શકે છે અને કોલસાનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ 9.4 ગીગાવોટ વધુ ઉત્પાદન થાય છે.ખાનગી કંપનીઓનો વ્યાપાર અને ખેડૂતોને નુકસાનનેહુલ અમૃતિયાએ જણાવ્યું કે ખાનગી કંપનીઓ ભવિષ્યના આયોજન મુજબ કચ્છ અને જામનગરમાં 2026 - 2027 સુધીમાં 97 ગીગાવોટ અને 2034 - 2035 સુધીમાં 183 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માંગે છે. આ વધારાની વીજળી અન્ય રાજ્યો અને દેશોમાં વેચીને ખાનગી કંપનીઓ માત્ર પોતાનો ધંધો અને નફો કરવા માંગે છે. આ હેતુ માટે ગુજરાતના લાખો ખેડૂતોના ખેતરમાંથી હાઈ-ટેન્શન વીજલાઇનો નાખવામાં આવી રહી છે, જેનાથી ફળદ્રુપ જમીન બરબાદ થાય છે અને ખેડૂતો, ખેતમજૂરો તેમજ પશુઓએ 25 વર્ષ સુધી મોટું જોખમ ઉઠાવવું પડે છે. ખેડૂતોની માંગ છે કે જે રાજ્યને વીજળીની જરૂર હોય ત્યાં જ આવા પાર્ક બનાવીને ઉત્પાદન કરવામાં આવે.વળતરના મુદ્દે કાયદાનું સીધું ઉલ્લંઘનનેહુલ અમૃતિયાએ જણાવ્યું કે મોરબી કલેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે, પરંતુ ખેડૂતોએ આ વાતને નકારી કાઢી છે. ગુજરાતના ખેડૂતોએ 04-07-2026 ના રોજ ગ્રામ પંચાયતના લેટરપેડ પર ઉર્જા વિભાગના પરિપત્રને અમાન્ય ગણાવીને 14-07-2026 ના રોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના મુખ્ય પ્રશ્નો જોઈએ તો વીજલાઇન વાણિજ્ય હેતુ માટે હોવા છતાં ખેતીલાયક જમીનને વાણિજ્ય જમીન ગણીને બજાર કિંમત અપાશે કે કેમ તેની પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી. ત્રણ વેલ્યુઅર દ્વારા બજાર કિંમત નક્કી કરવામાં સૌથી નીચી કિંમત ધ્યાને લેવાની વાત સેન્ટ્રલ ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10D (સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવાની જોગવાઈ) નું સીધું ઉલ્લંઘન કરે છે. ઉર્જા વિભાગના 01-03-2024 ના પરિપત્ર મુજબ ટાવર માટે બજાર કિંમતના 200% વળતરની વાત છે (જ્યારે 85% વાળો પરિપત્ર 14-07-2017 નો હતો), પરંતુ કોરિડોર માટે બજાર કિંમતના માત્ર 30% વળતરની જોગવાઈ છે, જેનાથી ખેડૂતોને થતા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ થતી નથી.ગામેગામ 144 લાગુ થાય તેવો વિરોધ કરાશેઅંતમાં ખેડૂતોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓ ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ચૂંટાયેલા મૂંગા નેતાઓને જડબાતોડ જવાબ આપશે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા ગુજરાતના એક-એક ગામડામાં કલમ 144 લાગે તેવી પૂરી તાકાતથી આ લાઈનોનો વિરોધ કરવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #KhedutEkta #GujaratFarmers #Morbi #ElectricityLineProtest #JayKisan #FarmersRights