40 ગામો અને હળવદ શહેર પર જળસંકટ ઘેરાયું : બેદરકારી દાખવનાર અધિકારીઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવા ધારાસભ્યની પાણી પુરવઠા મંત્રીને રજુઆતહળવદ : હળવદ તાલુકાના 40 ગામો અને હળવદ શહેરના હજારો નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત બ્રાહ્મણી-2 ડેમ હાલ ખાલી થવાના આરે છે. કાળઝાળ ઉનાળા અને અસહ્ય ગરમી વચ્ચે ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ડેમમાં માત્ર 2 થી 3 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. નોંધનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લાઓને પણ આ જ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ મામલો સામે આવતા ધારાસભ્ય પ્રકાશ વરમોરા એક્શનમાં આવ્યા છે.તંત્રની બેદરકારી સામે ધારાસભ્યનો આક્રોશ64-ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ 25/05/2026 ના રોજ રાજ્ય કક્ષાના મંત્રી (જળસંપત્તિ અને પાણી પુરવઠા) ઇશ્વરસિંહ પટેલને પત્ર લખીને તાત્કાલિક ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ મારફતે ડેમમાં નર્મદાનું પાણી છોડવા રજૂઆત કરી છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને દર વર્ષે ડેમ ખાલી થવાની નજીક આવે ત્યારે જ તંત્ર જાગે છે. પાણી પુરવઠા વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ વચ્ચે સંકલનનો ગંભીર અભાવ હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર ડેમમાં પાણી છે, પરંતુ પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ખામીઓના કારણે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગેની નકલ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિલાલ અમૃતિયાને પણ મોકલવામાં આવી છે.અધિકારીઓએ 41.00 મીટર લેવલ જાળવવા કરી હતી રજૂઆતમોરબી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. એસ. દામા અને નાયબ કાર્યપાલક ઈજનેર કે. પી. બલદાણીયા દ્વારા 21/05/2026 અને 22/05/2026 ના રોજ સિંચાઈ વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે ડેમમાં માત્ર 6 થી 8 દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. જો ડેમનું લેવલ 41.00 મીટરથી ઘટે તો પંપીગ મશીનરીના સક્શનમાં પૂરતું પાણી મળતું નથી. આથી આગામી ઓગસ્ટ-2026 સુધી પીવાનું પાણી પૂરું પાડવા માટે અને NCD-4 જૂથ યોજના કાર્યરત રાખવા માટે ડેમનું સ્તર 41.00 મીટરથી વધુ જાળવી રાખવા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ મારફત તાત્કાલિક પાણી આપવા વિનંતી કરવામાં આવી હતી.#MorbiUpdate #Halvad #Brahmani2Dam #WaterCrisis #PrakashVarmora #GujaratNews #NarmadaWater #WaterShortage #MorbiNews #Summer2026