મોરબી : ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ વર્ષ 2025-26માં ધો.1માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. આગામી તારીખ 28 ફેબ્રુઆરી થી 12 માર્ચ સુધી આ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફી ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. તો આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને યંગ ઈન્ડિયા ગ્રુપના દિલીપભાઈ દલસાણીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)(ગ્રામ્ય વિસ્તાર માટે:1,20,000/- શહેરી વિસ્તાર માટે: 1,50,000/-), પાનકાર્ડ, આવક અંગેનું એકરારનામું, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક, આ સિવાય અમુક કેટેગરીમાં સરકારે પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ તૈયાર રાખવા. ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://rte.orpgujarat.com/ વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે.